Gujarat

સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ 229 ખાડાનું પુરાણ, 190 ગટરના ઢાંકણા બદલાયા

By GS TEAM
24 Jun 20252 mins read
સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ 229 ખાડાનું પુરાણ, 190 ગટરના ઢાંકણા બદલાયા

વરસાદ બાદ મનપા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું

૨૫ વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાયો, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તાજેતરમાં વરસાદ પડયા બાદ અમુક વિસ્તારોમાં રોડ, રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું તેમજ ભુગર્ભ ગટરોના ઢાંકણાઓ પણ તુટી જતા વાહન ચાલકો સહિત લોકોને મુશ્કેલી પડી રહતી હતી. રહીશોએ તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે ફરિયાદ ઉઠાવતા આખરે મનપા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને અલગ-અલગ વિસ્તારોમાં ટીમો કામે લગાડી કામગીરી હાથ ધરી હતી.

જેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા પરના કુલ ૩૯૩ ખાડાઓ પૈકી  ૨૨૯ જેટલા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે, જ્યારે કુલ ૧૯૦ જેટલા ગટરના ઢાંકણા બદલાવવાની કામગીરી કરવામાં આવી છે. તેમજ શહેરમાં કુલ ૨૬ જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી ૨૫ વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે.  આ ઉપરાંત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજે શેહરમાં ખુલ્લા અને કોમન પ્લોટમાંથી કનસ્ટ્રક્શન વેસ્ટ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ૧ જેસીબી અને ૬ ટ્રેક્ટરના કુલ ૪૦થી વધુ ફેરા કરીને છાણ, ખાતર અને કચરાના ઢગલા હટાવવામાં આવ્યા છે. તેમજ વધુમાં ૮૦ ફુટ રોડ, નવા ૮૦ ફુટ રોડ, ૬૦ ફૂટ રોડ, ઉપાસના સર્કલ સહિતના વિસ્તારમાં ફોગિંગ, વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ સહિતની એન્ટી મેલેરિયા કામગીરી કરવામાં આવી હતી. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને રોડ ઉપર કચરો નાખનાર પાસેથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દંડ વસૂલવામાં આવ્યો હતો.