મકાન માલિકે ૩૪.૫૦ લાખની ફરિયાદ કર્યા બાદ ૧.૭૭ લાખની જ ચોરી થયાનું ખૂલ્યું

ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદરના જેવુ થયું
રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા બાદ ફરિયાદીએ પણ
મોટાભાગના દાગીના સાળાના ઘરે જ રાખ્યા હોવાનું જણાવ્યું
ગંધીનગર : ગાંધીનગરના પીંડરડા ગામે ચોરીના કિસ્સામાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદરના જેવું થયુ હતું. ઘરધણીએ તેના બંધ મકાનમાંથી રૃપિયા ૩૪.૫૦ લાખની મતા ચોરાયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પૂછપરછ કરતાં મોટાભાગના દાગીના તેના સાળાના ઘરે સલામત હોવાનું અને ૧.૭૭ લાખની મતા જ ચોરાઇ હોવાનું ખુલ્યુ હતું. દરમિયાન પોલીસે આ કેસમાં રીઢા તસ્કરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ગાંધીનગર તાલુકાના પીંડારડા ગામે ખેતરમાં જ રહેતા જીવણભાઇ
માલજીભાઇ રબારીએ દિવાળીની રાત્રે તેના ઘરમાંથી રૃપિયા ૧૦ લાખની રોકડ અને સોના
ચાંદીના દાગીના સહિત રૃપિયા ૩૪.૫૦ લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પેથાપુર
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.
દરમિયાન જિલ્લા પોલીસ વડાની સુચનાથી એલસીબી પણ તપાસમાં જોડાઇ હતી. પોલીસ દ્વારા મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગતના રીઢા તસ્કર એવા પેથાપુર, માણસા અને કલોલ તાલુકામાં ૧૨ જેટલી ચોરીના ગુનામાં સંડોવાઇ ચૂકેલા વિનોદજી ઉફ્રે ઉદો ભવાનજી ઠાકોરને રૃપિયા રૃપિયા ૯ હજારની રોકડ અને દાગીના સહિત ૧.૭૭ લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જેણે ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેના પગલે પોલીસ દ્વારા ફરિયાદીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન ફરિયાદીએ મોટાભાગના દાગીના તેના અમદાવાદ રહેતા સાળાના ઘરે મુકેલા હોવાનું જણાવ્યુ હતું. પોલીસ માટે પણ આ ફરિયાદ આશ્ચર્ય ઉપજાવનારી સાબિત થઇ હતી. પરંતુ સરવાળે ગણતરીના સમયમાં ચોરીનો ભેદ પણ ઉકેલાઇ જતા રાહતનો શ્વાસ લીધો હતો.









