બ્રેકઅપ થઇ જતાં નાસીપાસ પ્રેમીએ પ્રેમિકાની જિંદગી હરામ કરી નાખી
શંકા કરી અને ફ્રેન્ડ સર્કલમાં જવાની ના પાડતાં સંબંધો પૂરા થયા હતા : અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો, યુવતીની હોસ્ટેલ આસપાસ ચક્કર કાપી હેરાન કરી નાખી હતી
રાજકોટ, : બીસીએનો અભ્યાસ કરતી યુવતીએ બ્રેકઅપ કરતાં નાસીપાસ થયેલા તેના પ્રેમીએ તેની જિંદગી હરામ કરી નાખતા મામલો અભયમ્ પાસે પહોંચ્યો હતો. જેની ટીમે પ્રેમીને ચેતવણી આપતાં મામલો થાળે પડયો હતો.
ગ્રામ્ય વિસ્તારમાંથી 21 વર્ષની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટમાં રહી અભ્યાસ કરે છે. બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો એક યુવક સાથે પરિચય થતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અંદાજે બે વર્ષ સુધી બંને રિલેશનમાં હતાં. ત્યાર પછી યુવકે શંકા કરવાનું અને ફ્રેન્ડ સર્કલ સાથે બહાર જવા પર મનાઇ ફરમાવી માનસિક ત્રાસ આપતાં યુવતીએ બ્રેકઅપ કરી નાખ્યું હતું, જેને કારણે ઉશ્કેરાયેલા પ્રેમીએ બંનેના પર્સનલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં યુવતીનું ફેક આઇડી બનાવી તેનો દુરુપયોગ શરૂ કર્યો હતો. સાથોસાથ યુવતી જે હોસ્ટેલમાં રહેતી તેની આસપાસ ચક્કર મારવાનું શરૂ કરી દીધું હતું.
પરિણામે કંટાળી ગયેલી યુવતીએ અભયમની મદદ લેતાં તેના કાઉન્સિલેરે યુવકને બોલાવી કડક શબ્દોમાં ચેતવણી આપી યુવતી પાસે માફી મંગાવી હતી. એટલુ જ નહીં તેના ફોનમાં રહેલા યુવતી સાથેના ફોટા ડિલીટ કરાવ્યા હતાં. યુવતીનું ફેક આઈડી રિમૂવ કરાવ્યું હતું. સાથોસાથ કાયદાનું ભાન પણ કરાવતાં યુવકે હવે પછી હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. યુવકે જણાવ્યું કે યુવતીએ બે વર્ષના રિલેશન બાદ તેની સાથે વાત કરવાનું બંધ કરતાં તેણે બધા કૃત્યો કર્યા હતાં. બીજી તરફ યુવતીને પણ અભયમની ટીમે સમજાવ્યું કે તેના માતા-પિતાએ સંઘર્ષભર્યું જીવન વ્યતિત કરી, તેની ઉપર વિશ્વાસ મૂકી, રાજકોટ વધુ અભ્યાસ માટે મોકલી છે, આ સ્થિતિમાં તેણે અભ્યાસ પર અને કેરિયર પર પૂરતું ધ્યાન આપવું જોઇએ. જેની સાથે યુવતી સહમત થઇ હતી અને જરૂરી ખાતરી આપી હતી.