Gujarat

દસ કલાકની ભારે જહેમત પછી ઓઢવ ડ્રેનેજ લાઈનમાં તણાયેલા વ્યકિતનો મૃતદેહ બહાર કાઢાયો

By GS TEAM
26 Jun 20252 mins read
દસ કલાકની ભારે જહેમત પછી  ઓઢવ ડ્રેનેજ લાઈનમાં તણાયેલા વ્યકિતનો મૃતદેહ  બહાર કાઢાયો

  અમદાવાદ,ગુરુવાર,26 જુન,2025

બુધવારે સાંજે અમદાવાદમાં ભારે વરસાદ પડયો હતો. ઓઢવના અંબિકાનગર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહની સાથે ડ્રેનેજ લાઈનમાં બાઈક સાથે તણાયેલા બેલા પાર્કમાં રહેતા મનુભાઈ પિતાંબરદાસ પંચાલના મૃતદેહને ફાયર વિભાગ દ્વારા ગુરુવારે સવારે નવ કલાકે બહાર કઢાયો હતો. રાતે બે કલાક સુધી સતત પ્રયાસ કરાયા હતા.પરંતુ પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી અંદર જઈ શકાય એવી સ્થિતિ નહતી. અંતે સવારે ચાર કલાકે પાણી ઓછુ થતા ફાયરકર્મીઓ અંદર ઉતરીને કામગીરી શરુ કરી શકયા હતા.આશરે ૨૦૦ ફુટ અંદર જતા એક ફાયરમેનના પગમાં બાઈક આવ્યુ હતુ.નીચે તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.

બુધવારે રાતે ૮.૫૦ કલાકની આસપાસ ફાયર કંટ્રોલને કોઈ વ્યકિત તણાઈ હોવાનો  કોલ મળતા ઓઢવ ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફિસર સહીતની રેસ્કયુ ટીમને સ્થળ ઉપર દોડાવાઈ હતી.ઘટના સ્થળ ઉપર પહોંચ્યા પછી ખબર પડી કે, ડ્રેનેજ લાઈનનો મોટો ખાડો હતો.જેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલુ હતુ.આ ખાડામાંથી સીધી ડ્રેનેજ લાઈન ખારીકટ કેનાલમાં નીકળતી હતી.જેની આજુબાજુ બેરીકેડીંગ કરવામા આવ્યુ હતુ.એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી ટોર્ચ સહીતના સાધનોની મદદથી શોધવાના પ્રયાસ સતત ચાલુ રાખવામા આવ્યા હતા.ડ્રેનેજ લાઈનમાં પાણી ઓછુ થતા ફાયરના  ત્રણ કર્મચારીઓ લાઈટ અને વાંસ જેવા સાધનો સાથે  ડ્રેનેજ લાઈનમાં અંદર ઉતર્યા હતા.ફાયર કર્મચારીઓને મૃતદેહ હોવાની ખબર પડતા બીજુ દોરડુ લઈ ગયા હતા.મૃતદેહને બાઈક નીચેથી ઉંચે લઈ દોરડા વડે બાંધી ૨૦૦ ફુટ બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહને બહાર કઢાયા પછી ૨૦૦ ફુટ સુધી ડ્રેનેજ લાઈનમાં  અંદર જઈ મહામહેનતથી બાઈક પણ  ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હતી.