અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડી બજારમાં 17 વર્ષે ડિમોલિશન, 16 દુકાનો તોડી પડાઈ

Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા આંબાવાડી વિસ્તારમાં છડાવાડ ચોકીથી આંબાવાડી બજાર તરફના 16 કોમર્શિયલ બાંધકામ શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે.સી.બી. સહિતની મશીનરીની મદદથી તોડી પાડતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા લોકો કાર્યવાહી જોવા ઉમટી પડયા હતા.
18 મીટરનો હયાત રસ્તો રીડીપી મુજબ 30 મીટર પહોળો કરવા કોર્ટના લીટીગેશન દુર થતા જ રોડ ઉપર નડતરરુપ એવા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા છે. હજુ એક નડતરરુપ બાંધકામ દુર કરવા મામલે લીટીગેશન હટ્યા પછી અમલ કરાશે. 17 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમા અમલ કરી શકયુ છે.
નવરંગપુરા વોર્ડના આંબાવાડી ખાતે રુદ્ર કોમ્પલેકસની આગળના ભાગમા રોડલાઈન કપાતમા આવતા 16 કોમર્શિયલ એકમોને અગાઉ વખતોવખત કોર્પોરેશન તરફથી નોટિસ આપવામા આવતી હતી.પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મહેશ તબિયારે કહ્યું,વર્ષ 2007-08 થી આ વિસ્તારમા રોડ લાઈનનો અમલ કરવાના મામલે કોર્ટ લીટીગેશન ચાલ્યુ આવે છે. આ અગાઉ લીટીગેશન દુર થતા નવ જેટલા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા હતા.રોડ પહોળો થવાથી આંબાવાડી અને ભુદરપુરા તરફ જવાવાળા લોકોને સરળતા મળી રહેશે.

