શાળા છુટયા બાદ 4 બાળકોને અંદર રાખી શિક્ષકો ડેલે તાળું મારી જતાં રહ્યાં !

ખાંભાની પ્રાથમિક શાળામાં આચાર્ય, શિક્ષકોની બેદરકારી : શનિવારના સમય મુજબ બાળકો સમયસર ઘરે ન પહોંચતા તપાસ કરતા ચારેય તાળુ મારેલા ડેલાની અંદર હતા
અમરેલી, : ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી છે. શાળામાં બાળકો હોવાછતાં શિક્ષકો મુખ્ય દરવાજાને તાળુ મારી જતા રહેતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકોને ઘરે જવાની ઉતાવળ હોવાથી કોઈપણ તપાસ કર્યા વગર શિક્ષકો મુખ્ય દરવાજાને તાળુ મારી ઘરે જતા રહ્યાં હતા.
આજે શનિવાર હોવાથી શાળમાં વિદ્યાર્થીઓ છુટવાનો સમય સવારે 11 વાગ્યાનો હતો.જેથી બાળકો 12 વાગ્યા પછી પણ ઘરે ન પહોંચતા વાલીઓએ તપાસ શરૂ કરી હતી. વાલીઓ શાળાએ પહોંચતા બાળકો શાળાના દરવાજાની અંદર ઉભા હતા અને દરવાજાને બહારથી તાળુ મારેલુ હતુ ! આ ઘટના બનતા જ શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. બાળકોના વાલીએ જણાવ્યુ હતું કે,બાળકો ઘરે ન પહોચતા શાળાએ તપાસ કરતા બાળકો શાળા અંદર દરવાજે ઉભા હતા. આ બાબતે શિક્ષકોને જણાવતા શિક્ષકોએ મારી પાસે ચાવી નથી તેમ જણાવી એકબીજાને ખોં આપી હતી. સામાન્ય રીતે શાળાને તાળા મારતા પહેલાં શાળાના વર્ગો અને મેદાનમાં તપાસ કરવી જોઇએ પરંતુ શિક્ષકો દ્વારા તપાસ કરાઇ ન હતી.
શાળાને નોટીસ આપવામાં આવીઃ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી
ખાંભાની પે-સેન્ટર શાળામાં શિક્ષકો મુખ્ય દરવાજાને બહારથી તાળુ મારી જતા રહેતા 4 બાળકો શાળામાં ફસાયા હતા. આં અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ કે આજે બેગલેસ ડે હોવાથી બાળકો શાળાની પાછળ મેદાનમાં રમતા હતા જા કે શિક્ષકોએ શાળામાં તમામ સ્થળોએ તપાસ કરવાની જરૂર હતી. પરંતુ શિક્ષકોએ તપાસ કરી નહી. આ ગંભીર બેદરકારી હોવાથી શાળાને નોટીસ પાઠવવામાં આવી હોવાનુ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ.








