૪૦ લાખ વૃક્ષો રોપી દીધા પછી હવે શિયાળામાં મેટ્રો રેલના ૧૩ કિ.મી.રુટ ઉપર ૧૦ કરોડના ખર્ચે ૯ હજાર વૃક્ષ વવાશે

અમદાવાદ,શુક્રવાર,9
જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરમાં
ગ્રીન કવર વધારવાના નામે કરોડો રૃપિયાનો
ખર્ચ કરાઈ રહયો છે. ચોમાસા પહેલા શહેરમાં ૪૦ લાખ વૃક્ષ વાવવામા આવ્યા
હોવાનો શાસકો અને તંત્ર તરફથી દાવો કરાયો હતો.બગીચા ખાતાના અધિકારીના કહેવા મુજબ, જેટલા વૃક્ષ
શહેરમાં રોપાય છે. આ પૈકી માત્ર ૬૦ ટકા વૃક્ષ જ જીવીત રહે છે.પોતાના વૃક્ષોને ૧૦૦
ટકા જીવીત નહીં રાખી શકતા બગીચા વિભાગ દ્વારા મેટ્રો રેલવેના આશરે ૧૩.૫ કિલોમીટરના
રુટ ઉપર બંને સાઈડમાં રુપિયા ૧૦ કરોડના ખર્ચથી ૯ હજાર વૃક્ષો વવાશે.આ કામગીરી આખુ
વર્ષ ચાલશે.
ચોમાસા પહેલા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં બગીચા ખાતાએ ૪૦
લાખ વૃક્ષ રોપ્યા હતા.પરંતુ તે વખતે મેટ્રો રૃટની બંને તરફ વૃક્ષો વાવવાનુ રહી ગયુ
હતુ.હવે શિયાળા અને ઉનાળામા ૯ હજાર વૃક્ષો વાવવા માટે બગીચા વિભાગ તરફથી ટેન્ડર
ફલોટ કરાયુ છે.બગીચા ખાતાના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહયુ, શહેરમાંથી પસાર
થતા મેટ્રોના રૃટ ઉપર અમુક સ્પોટ ઉપર પ્લાન્ટેશન થઈ ગયુ છે.જયારે અન્ય રૃટ ઉપર
વૃક્ષારોપણ કરવાનુ બાકી છે.શહેરમાં ૪૦ લાખ વૃક્ષ રોપવાની જાહેરાત કરાઈ હતી.આ પૈકી
૨૦ લાખ વૃક્ષ વાવી અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાનો કોન્ટ્રાકટ ત્રણ
કોન્ટ્રાકટરોને અપાયો હતો.આ કોન્ટ્રાકટરોએ ૨૦ની જગ્યાએ ૨૯ લાખ વૃક્ષ રોપી દેતા
ખર્ચ રુપિયા ૬૪ કરોડથી વધીને રુપિયા ૧૩૧ કરોડ સુધી પહોંચી ગયો હતો.હવે ચોમાસા પછી
મેટ્રોના રુટ ઉપર ૯ હજાર વૃક્ષો વાવવા અને તેની જાળવણી કરવા સહેલી બાબત નથી.આમ
છતાં મેટ્રો રેલવે રુટની બંને તરફ આવેલા હયાત પ્લાન્ટેશનના અપગ્રેડેશન અને નવા
પ્લાન્ટેશન માટે આશ્ચર્યજનક રીતે બગીચા ખાતાએ ટેન્ડર કર્યુ છે.મેટ્રો રુટ ઉપર બંને
તરફ ખુલ્લી જગ્યામા પ્લાન્ટેશન કરી બ્યુટિફિકેશન કરાશે એવો દાવો કરાયો છે.
અમદાવાદ પશ્ચિમ કરતા પૂર્વમાં વધુ વૃક્ષ વાવવામા આવ્યા
ગાર્ડન વિભાગને પશ્ચિમ અમદાવાદમાં પ્લાન્ટેશન માટે ઓછા
પ્લોટ મળતા ૧૦.૩૫ લાખ જયારે પૂર્વ અમદાવાદમાં ૩૦.૪૪ લાખ વૃક્ષ વાવવામા આવ્યા
હોવાનો બગીચા વિભાગ તરફથી દાવો કરાયો છે.સમૃધ્ધ એવા પશ્ચિમના વિસ્તારમાં ૨૫ ટકા
જયારે પૂર્વ અમદાવાદમાં જગ્યા વધુ મળતા ૭૫ ટકા પ્લાન્ટેશન કરાયુ હોવાનુ કહેવાયુ
છે.
પશ્ચિમ ઝોનમાં ૪.૪૫ લાખ વૃક્ષનુ વાવેતર કરાયુ
પશ્ચિમ ઝોનમાં ૪.૪૫ લાખ વૃક્ષનુ વાવેતર કરાયુ
છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩.૧૫ લાખ,
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૨.૭૪ લાખ વૃક્ષ વાવવામા આવ્યા છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં
શાહવાડી કેનાલની આસપાસ એક લાખ વૃક્ષ વાવવામા આવ્યા છે.ગ્યાસપુરના સીઈટીપી પાછળ બે
લાખ ચોરસમીટરના પ્લોટમાં અંદાજે ૧૩.૬૭ લાખ વૃક્ષ વાવવામા આવ્યા છે.દક્ષિણ ઝોનમાં
૧૯.૭૯ લાખ તથા પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં છ લાખ વૃક્ષો વાવવામા આવ્યા
હોવાનો બગીચા વિભાગ તરફથી દાવો કરાયો છે.








