નવરાત્રિ બાદ દિવાળીમાં પણ કપડાં મેચિંગનો ટ્રેન્ડ
રેડીમેઈડ યુગથી પહેરવેશની સ્ટાઇલ બદલાઈ યુવકોમાં પ્લેન શર્ટ, રંગીન ઝભ્ભા, યુવતીઓમાં પ્લાઝો કુર્તી વેસ્ટર્ન ડ્રેસ, મહિલાઓમાં પસ્મીના સિલ્ક, પટોળાં, મોર કંઠી કલરની પસંદગી
જૂનાગઢ, : દિવાળી એટલે ઉમંગ ઉલ્લાસનો તહેવાર, જેની ઉજવણી માટે નવા કપડાની પણ ખરીદી કરવામાં આવે છે. હવે ઓનલાઈન શોપિંગ સાઇટ્સના કારણે રિટેલ માર્કેટમાં 50 ટકાનો ફટકો પડયો છે. આ અસર વચ્ચે આ દિવાળીએ પુરૂષોમાં પ્લેન શર્ટ, ઝભ્ભા તો મહિલામાં પટોળા, બંગાળી સાડી, યુવતીઓમાં વેસ્ટર્ન ડ્રેસ પ્લાઝો, કુર્તીની વધુ પસંદગી રહી છે. નવરાત્રીની જેમ દિવાળીમાં પણ કપડા મેચિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
રેડીમેડ યુગમાં કપડાની ફેશન અને ખરીદ પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. આધુનિકતા મુજબ પહેરવેશ સ્ટાઇલ પણ બદલાઈ છે. દિવાળીના તહેવારોમાં અગાઉ પર્વના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારની જોડીઓ ખરીદ કરવામાં આવતી પરંતુ હવે દિવાળી અને બેસતા વર્ષ પૂરતી જ કપડાની ખરીદી થાય છે. આ વર્ષે નવરાત્રીમાં જેમ કપડાં મેચિંગ ગીત પર રાસ ગરબા રમાયા હતા તેવી રીતે દિવાળી પર પણ કપડા મેચિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક સરખા કલર અને સ્ટાઈલ ધરાવતા કપડાની ખરીદી કરવામાં આવી રહી છે. કપડાના વ્યાપારી નરેશભાઈના જણાવ્યા મુજબ, મહિલાઓમાં અને ખાસ કરીને યુવતીઓ કુર્તી, પ્લાઝો પેર સ્ટાઇલની વધુ માંગ રહી છે. કાળી ચૌદસના દિવસે કાળા કલરના કપડા અને સફેદ કલર શર્ટની વધુ માંગ રહી છે. દિવાળીએ ચોપડા પૂજનના દિવસે રંગીન ઝબ્બા, ધોતી અને કુર્તીની વધુ ખરીદી કરવામાં આવી છે. સરારા મલ્ટિ કલર, પ્રિન્ટેડ અને બનારસી લહેંગા, બ્લુ, પીળો, વાઇન, મરૂન અને બ્લેક કલરની વધુ માંગ છે. સાડીના વ્યાપારી હિતેશભાઈ સંઘવીના જણાવ્યા મુજબ પશ્મીના સ્ટાઇલ અને તેમાં પણ મોર કંઠી કલરની વધુ માંગ છે. આ ઉપરાંત સિલ્ક, પટોળા, આટફિશિયલ, સાડી, પટિયાલા, બાંધણી અને વર્ક વાળી પ્રિન્ટેડ સહિત બોલીવુડ સ્ટાઇલની સાડીની વધુ ખરીદી કરવામાં આવે છે .
નવરાત્રીમાં આ વર્ષે કપડાં મેચિંગ ગીત પર ખેલૈયાઓ ઝૂમી ઉઠયા હતા. તો આ દિવાળીએ અનેક મિત્રોના ગુ્રપ, સોસાયટી અને ખાનગી કંપનીઓના કર્મીઓ દ્વારા સાગમટે એકસરખા કલર અને પેટર્નના કપડાની પસંદગી કરવામાં આવી રહી છે. અગાઉ કપડાં મેચિંગનું ટ્રેન્ડ ટ્વિન્સ બાળકો પૂરતો સીમિત હતો પરંતુ આ વર્ષથી યુવતીઓ ડ્રેસ અને યુવાઓમાં ઝભ્ભા અને બાળકોને પણ તે જ સ્ટાઈલના કપડા ખરીદવાની પસંદગી થઈ રહી છે.
પુરૂષોમાં ઝભ્ભા ઓલ ટાઈમ ફેવરિટ છે સાથે જ પ્લેન, લાઇનિંગ અને ચેક્સ શર્ટ, જીન્સમાં બ્લુ, નેવીબ્લુ, બ્લેક અને ગ્રે કલરની વધુ માંગ રહી છે. એક જમાનો હતો જ્યારે દિવાળીના થોડા દિવસો પહેલા દરજીને આખા ઘરની કપડાની જોડી સીવડાવવા અપાતી, કાપડ ખરીદીને ટેલર્સ ને ત્યાં કપડા સીવડાવવાનું જ ઘણા લોકો પસંદ કરતા પરંતુ મોલના આગમન બાદ રિટેલ કપડામાં ખરીદી ઓછી થઈ છે. તેનું મુખ્યત્વે કારણ ઉંચા સિલાઈ ભાવ પણ માનવામાં આવે છે. તૈયાર કાપડની ખરીદી પણ અડધો અડધ ઘટી છે.