જામનગરમાં બે મહિનાથી વધુના સમયગાળા બાદ અંબર ચોકડીનો રસ્તો આખરે આજે સવારથી ખુલ્યો : વાહનોની અવરજવર શરૂ
Jamnagar : જામનગર શહેરમાં ખૂબ જ ભીડભાડવાળો અને અત્યંત વ્યસ્ત અંબર ચોકડીનો માર્ગ કે જ્યાં ફલાય ઓવર બ્રિઝનો સ્લેબ મુકવાનું કામ ચાલી રહ્યું હતું, અને પતરાની આડસો મૂકીને ડાઈવર્ઝન કાઢીને રસ્તો બનાવાયો હતો.
આ સ્થળે છેલ્લા બે માસથી રોડની મધ્યમાં બ્રિજનો સ્લેબ બનતો હોવાના કારણે સાઈડમાંથી રસ્તો કાઢવામાં આવ્યા હતા, અને રોડની બંને સાઈડમાં પતરા મુકવામાં આવ્યા હતા. આખરે રોડની મધ્યમાં સ્લેબ અને તેને સંલગ્ન કલર કામ સહિતની કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી, અને આખરે વચ્ચે લગાવેલા પતરા હટાવી લેવાતાં મુખ્ય રસ્તો ખુલ્લો થઈ ગયો હતો, અને આજે વહેલી સવારથી અંબર રોડથી જૂના રેલ્વે સ્ટેશન તરફ જવાના માર્ગે વાહનો સીધા નીકળ્યા હતા.
ત્યારે ડીએસપી બંગલા તરફથી આવતા વાહનો અંબર સિનેમા રોડ તરફ જવા માટે મુખ્ય રોડ પરથી જ પસાર થઈ ગયા હતા, અને વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે.
ખાસ કરીને બપોરે સ્કૂલ છૂટવા સમયે અથવા તો સાંજના તમામ સરકારી ઓફિસો વગેરેના કામકાજ પૂર્ણ થવાના સમયે આ ચોકડી પર ભારે ટ્રાફિક જામ સર્જાતો રહે છે. તેમાં આખરે આજથી મહત્વની રાહત મળશે, ઉપરાંત ટ્રાફિક શાખાની પણ કામગીરીમાં ઘટાડો થશે.