Gujarat

લોન કૌભાંડમાં પકડાયેલી કંપનીની ડાયરેક્ટર નયનાના સાગરીતો અને સૂત્રધાર ઇલિયાસનો પત્તો નથી

By GS TEAM
26 Dec 20251 min read
લોન કૌભાંડમાં પકડાયેલી કંપનીની ડાયરેક્ટર નયનાના સાગરીતો અને સૂત્રધાર ઇલિયાસનો પત્તો નથી

વડોદરાઃ લોનના નામે લાખો રૃપિયાની ઠગાઇ કરવામાં પકડાયેલી નયના મહિડાના સાગરીતોને શોધવા પોલીસની ટીમો દ્વારા તેના આશ્રય સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.પરંતુ સફળતા મળી નથી.

સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે રૃ,૪.૯૨ કરોડની ઠગાઇના બનેલા બનાવમાં ડુપ્લિકેટ સોનાના બિસ્કિટો પધરાવનાર ઇલિયાસ અજમેરી ઉર્ફે રાજવીર પરીખ તેમજ તેના સાગરીતોનો પત્તો મળે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

આ પ્રકરણમાં રૃ.૧૦ કરોડની લોન અપાવવાના નામે કર્ણાટકના વેપારી પાસે રૃ.૩૦ લાખ પડાવવા બદલ મુજમહુડા ખાતે સિગ્નેટ હબમાં સહયોગ ફાયનાન્સ નામની ઓફિસ ધરાવતી નયના મહિડાની ધરપકડ કરાતાં તેની સામે પાંચ દિવસ પહેલાં પણ ૩૦૦ કરોડની લોનના નામે રૃ.૨૨.૫૦ લાખ પડાવવાનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા નયનાની કંપનીમાંથી કેટલા લોકોએ લોન લીધી છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી થઇ છે તેની નયના અને તેના સાગરીતોની કોલ્સ ડીટેલને આધારે તપાસ કરવામાં આવી રહી છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવીરીતે ભોગ બનેલાઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.