જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે.
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જામનગરની આયુષ હોસ્પિટલને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ઈમેલ મારફતે આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે, અને તેની આજથી જ અમલવારી કરી દેવામાં આવી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે. જામનગરની જેસીસી હોસ્પિટલ નું કૌભાંડ કે જે હજુ તપાસ હેઠળ છે, ત્યાં જ શહેરની બીજી હોસ્પિટલનું આ ભોપાળુ છતું થતાં સમગ્ર રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
હોસ્પિટલનો ખુલાસો
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલ સામેના ગોટાળાના મુદ્દે અને તેઓને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા દંડ ના સંદર્ભમાં હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા વિસ્તૃત ખુલાસો કરાયો છે, અને જે 35 ઓપરેશન અંગેની વાત સામે આવી છે, જેમાં પીએમજેએવાયના એક્સપર્ટસના એપ્રુવલ લીધા બાદ જ સમગ્ર પ્રોસિજર કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
ઓશવાળ આયુષ હોસ્પિટલ ને ગઈ કાલ બપોર ના 12 કલાકે પીએમજેએવાય યોજના તરફ થી એક મેઈલ મળેલો, જેમાં ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગને પીએમજેએવાય યોજના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલી છે, અને સાથે પીએમજેએવાય યોજના માંથી હોસ્પિટલ ના કાર્ડિયોલોજીસ્ટ ને પણ સસ્પેન્ડ કરવામાં આવેલાં છે.
જે અંગે 35 દર્દીઓની ક્વેરી પીએમજેએવાય યોજના તરફ થી આપવામાં આવેલી છે, જે અંગે અમો જણાવવા માંગીએ છીએ કે પીએમજેએવાય યોજના ના પ્રોસેસ ફલો મુજબ પીએમજેએવાય યોજના ની કોઇપણ સારવાર માટે એક અપ્રુવલ પ્રોસેસ હોય છે. જે અમો દ્વારા અમારા આ પીએમજેએવાય યોજના હેઠળ ની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓ માં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે.
વધુમાં કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર પહેલા તેમના માટે ના એન્જીયોગ્રાફી ના વિડીયો, જરૂરી રીપોર્ટસ વગેરે પીએમજેએવાય યોજના ના પોર્ટલ પર અપલોડ કરવાનું હોઈ અને પીએમજેએવાય યોજના ની એક્સપર્ટ ટીમ આ રીપોર્ટસ અને વિડીઓ જોયા અને રીવ્યુ કાર્ય બાદ જ સ્ટેન્ટ પ્રોસીજર માટે અપ્રુવલ આપતા હોય છે. જે અમોએ પણ આ દરેક દર્દી માં પીએમજેએવાય યોજના ની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસીજરો કરેલ છે.
સરકારી વિભાગ આવનારા દિવસો માં બોલાવશે, ત્યારે અમો અમારો પક્ષ રાખી અને જરૂરી પુરાવાઓ અને રીપોર્ટસ- રેફરન્સ અમારી પાસે છે, જે અમો સરકાર સમક્ષ રજુ કરીશું. અને આ સસ્પેન્શન પાછું ખેચી લેવા અમારી વાત રાખીશું.


