Gujarat

પાલિતાણા પંથકમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળોની ભીતિ

By GS TEAM
19 Jun 20252 mins read
પાલિતાણા પંથકમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળોની ભીતિ

- સમયસર સફાઈ નહીં થાય તો લોકોની આરોગ્ય ઉપર વિપરીત અસર થશે

- પાણી ભરાઈ રહેતા ઝેરી જીવજંતુના ડંખનો ભય, પ્રિ-મોન્સૂન કામગીરીમાં તંત્ર ઊંઘતું ઝડપાયું

પાલિતાણા : પાલિતાણા શહેર અને તાલુકામાં ભારે વરસાદ બાદ ગંદકી, કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સફાઈ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાલિતાણામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૧૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યા બાદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર-ઠેર કાદવ, કીચડ અને બિનઉપયોગી ચીજવસ્તુઓ તણાઈને આવતાં ઢગ સર્જાયા છે.જેમાંથી આવતી અસહ્ય દુર્ગંધથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિતાણામાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણાં સમયથી સફાઈ કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવતા નિયમિત સફાઈ થતી નથી. તેવામાં વરસાદ બાદની ગંદકીના કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. અમુક શેરી-ગલ્લીઓમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જેમાં ઝેરી જીવજંતુ હોવાના કારણે લોકો ભયભીત થઈને જીવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત દયનિય બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તકલીફોની વણઝાર છે. આવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળા માથું ઉંચકે તે પહેલા સરકારી તંત્ર દ્વારા સફાઈ, દવા છંટકાવ વગેરે કાર્યવાહીને પ્રાધાન્ય અપાઈ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. વધુમાં પ્રથમ વરસાદમાં જ પાલિતાણા શહેર અને તાલુકામાં પાણી ભરાઈ જવાની, વીજળી ડૂલ થવાની સમસ્યા વચ્ચે પ્રિ-મોન્સૂન કામગીરીમાં તંત્ર ઊંઘતું ઝડપાતા લોકોમાં રોષ ફેલાયો છે.