Gujarat

દેણું થઇ જતાં શેઠની રૂા.. 17 લાખની ચાંદી ચોરી વતનમાં દાટી દીધી હતી

By GS TEAM
25 Dec 20251 min read
દેણું થઇ જતાં શેઠની રૂા.. 17 લાખની ચાંદી ચોરી વતનમાં દાટી દીધી હતી

LCB ઝોન-1ના સ્ટાફે આરોપીને ઝડપી લીધો : આરોપી અગાઉ પણ રૂા.. 35 લાખની સોનાની ચોરીમાં પકડાઇ ચૂક્યો છે

રાજકોટ, : મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં શાંતિકુંજ સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ ચાંદીકામ કરતાં રાહુલભાઈ સાવંતને ત્યાં કારીગર તરીકે બે મહિનાથી કામ પર રહેલો વિજય નટુભાઈ નાગાણી (ઉ.વ. 28, રહે. વેલનાથપરા શેરી નં. 6, મોરબી રોડ) રૂા.. 17.60 લાખની કિંમતની ચાંદીની ચોરી કરી ભાગી ગયો હતો. જેને એલસીબી ઝોન-1ના સ્ટાફે ઝડપી લીધો છે. 

તેની પાસેથી રૂા.. 15.47 લાખની કિંમતની ચાંદી અને બાઇક કબજે કર્યું છે. એલસીબીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપી વિજય ઉપર દેણુ થઇ ગયું હતું. જેમાંથી બહાર નીકળવા માટે તેણે તેના શેઠ રાહુલભાઈ કોઇ કામે બહાર ગયા બાદ પાછળથી દુકાનમાં પડેલી ચાંદી કોથળામાં નાખી તેને નીચે ફેંકી દીધો હતો.

ત્યાર પછી તે પણ નીકળી ગયો હતો. પોતાના બાઇક ઉપર ચાંદી ભરેલો થેલો લઇ પોતાના વતન ચોટીલાના ખેરાણા ગામે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની જગ્યામાં ખાડો ખોદી, ચાંદી ભરેલો થેલો દાટી દીધો હતો. એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામીએ બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ અગાઉ પણ તે માલવિયાનગર પોલીસમાં અંદાજે રૂા.. 35  લાખના સોનાની ચોરીમાં પકડાયો હતો. તેની સામે બી ડીવીઝન પોલીસ મથકમાં જીપી એક્ટ હેઠળ એક ગુનો નોંધાયો છે.