અઢાર દિવસ પછી અસહય ઉકળાટના અંતે અમદાવાદમાં ગાજવીજ સાથે સરેરાશ સવા ઈંચ વરસાદ,વીજ કરંટ લાગતા એકનું મોત

અમદાવાદ,સોમવાર,16
જુન,2025
૨૯ મેની રાતે અમદાવાદમાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો
હતો.અઢાર દિવસ સુધી રાહ જોવડાવ્યા પછી અસહય ઉકળાટના અંતે અમદાવાદના અનેક
વિસ્તારમાં ગાજવીજ સાથે સરેરાશ સવા ઈંચથી વધુ વરસાદ ખાબકી પડતા લોકોને
પારાવાર મુશકેલીનો સામનો કરવો પડયો હતો. ઘીકાંટા વિસ્તારમાં આવેલી દુધવાળી
પોળના નાકે વીજપોલ પાસેથી પસાર થતા જશરાજ જગદીશભાઈ ગોહીલ ઉંમર વર્ષ-૨૦નુંવીજ કરંટ લાગતા તેનુ મોત થવા
પામ્યુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.કાંકરિયા અને મણિનગર ઉપરાંત
આસ્ટોડિયા અને વાડજ વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં ૧૫ થી વધુ વૃક્ષ ધરાશાયી
હતા.જો કે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહતી.સૈજપુર ગરનાળા સહિત
નીચાણ વાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.મીઠાખળી અંડરપાસમાં ૧.૫ ફુટ
પાણી ભરાતા રાતે ૭.૫૫ કલાકે વાહન વ્યવહાર
માટે બંધ કરાયો હતો. સવારના ૬થી રાતના ૯
કલાક સુધીમાં રામોલમાં અઢી ઈંચથી વધુ
વરસાદ વરસી પડયો હતો.બોડકદેવ અને જોધપુર વિસ્તારમાં ૪૫ મિલીમીટર વરસાદ વરસી પડયો
હતો.રાતે ૯ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ૩૯.૧૦ મિલીમીટર વરસાદ થતાં મોસમનો કુલ
વરસાદ ૬.૭૬ ઈંચ થવા પામ્યો હતો.
સોમવારે અસહય ઉકળાટ પછી બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો
હતો.જેના પગલે બપોરે બેથી ચાર કલાકના સમયમાં
રામોલ વિસ્તારમાં ૨૨.૫૦ મિલીમીટર,
વટવામાં ૧૦ મિલીમીટર,
ચકુડીયા વિસ્તારમાં ૧૨ મિલીમીટર,
ઓઢવ વિસ્તારમાં ૧૨ મિલીમીટર,
કઠવાડામાં ૧૦.૫૦ મિલીમીટર તથા વિરાટનગર વિસ્તારમાં ૧૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો
હતો.થોડા સમયના વિરામ પછી સાંજના સાત કલાક પછી આકાશ ફરી એક વખત કાળા ડીબાંગ વાદળોથી
ઘેરાયુ હતુ.જેના કારણે ભારે ગાજવીજ અને કડાકા સાથે શહેરના એસ.જી.હાઈવેથી લઈ અનેક વિસ્તારમાં
વરસાદ વરસી પડતા નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘર તરફ પરત ફરી રહેલા વાહન ચાલકોને અધ
વચ્ચે અટવાવુ પડયુ હતુ. સૈજપુર ગરનાળામાં ફરી
એક વખત સામાન્ય એવા વરસાદમાં પાણી ભરાતા ત્યાંથી
પસાર થતા લોકો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. પૂર્વમાં આવેલા
રામોલ ઉપરાંત કઠવાડા ,નિકોલ અને
વિરાટનગર તથા ઓઢવ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મણિનગર,વટવામાં ભારે વરસાદથી
લોકોને હાલાકી ભોગવવી પડી હતી.પાલડી, ઉસ્માનપુરા,
ચાંદખેડા,વાસણા અને
ગોતા ,રાણીપ તથા બોડકદેવ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી
પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.ગોતામાં સિલ્વર ઓક કોલેજ રોડ ઉપર
વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તરઝોનમાં નરોડા,મેમ્કો તથા સૈજપુર વિસ્તારમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં
વરસાદી પાણી ફરી વળ્યા હતા.બીજી તરફ શહેરમાં લાંબા સમય પછી વરસાદનુ આગમન થતા લોકો રાહતની
લાગણી અનુભવી વરસાદની મજા માણવા બહાર નીકળ્યા હતા.સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં ફરી એક વખત નીચાણવાળા વિસ્તારોમાં પાણી
ફરી વળતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કેચપીટોની સફાઈને લઈને કરવામાં આવેલા
દાવા પોકળ પુરવાર થવા પામ્યા હતા.બપોરના ચાર કલાકે વાસણા બેરેજ ખાતે નદીનુ લેવલ ૧૩૫
ફુટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.વાસણા બેરેજ ખાતે નદીનુ
લેવલ ૧૩૫ ફુટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પણ વરસાદથી હાલાકી
સોમવારે સાંજે પડેલા ભારે ગાજવીજ સાથેના વરસાદના કારણે અસારવા
વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વરસાદથી હાલાકી પડી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળે છે. વિમાન દુર્ઘટના પછી મૃતકોના મૃતદેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે તેવા
સમયે જ વરસાદ વરસી પડતા મૃતકોના પરિવારજનોને ખાસ તૈયાર કરવામાં આવેલા ટેન્ટની અંદર
વરસાદ બંધ થાય એની રાહ જોવાની ફરજ પડી હતી.
એક ડઝનથી વધુ સ્થળોએ વરસાદી પાણી ફરી વળ્યા
૧.સૈજપુર ગરનાળુ,
૨.નરોડા પાટીયા, નેશનલ
હેન્ડલૂમ પાછળ આવેલા રેફયુઝ સ્ટેશન બહાર,
૩.કુબેરનગર બજારમાં
૪.રેલવે પેરેલલ નવા બનેલા આર.સી.સી.રોડ ઉપર, ૫. સિલ્વર ઓક
કોલેજ રોડ, સૈજપુર
ગરનાળુ, ૬. સ્ટાર
બજારરોડ,જોધપુર, ૭,નહેરુબ્રિજ
કોર્નર,૮.મીઠાખળી
ક્રોસ રોડ,૯.ભૈરવનાથ
ક્રોસ રોડ,મણિનગર.૧૦.ઘીકાંટા
ચાર રસ્તા,૧૧.ડી
કેબીન અંડરપાસ,૧૨.રાયપુર
દરવાજા
ચાંદખેડા ફાટક પાસે મ્યુનિ.એ ખોદેલા ખાડામાં ડી વોટરીંગ
પમ્પની ગાડી ફસાઈ
ચાંદખેડા આઈઓસી ફાટક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ખોદવામાં આવેલા ખાડામાં હેવી ડી વોટરીંગ પમ્પની ગાડી ફસાઈ ગઈ હતી.
શહેરમાં કયાં-કેટલો વરસાદ
સોમવારે રાત્રિના નવ કલાક સુધી શહેરના
અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલ વરસાદની વિગત આ મુજબ છે.
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૪૯
ઓઢવ ૪૨
વિરાટનગર ૪૨
નિકોલ ૩૭
રામોલ ૬૨
કઠવાડા ૪૪
પાલડી ૪૧
ઉસ્માનપુરા ૩૫
ચાંદખેડા ૪૦
વાસણા ૩૫
રાણીપ ૩૫
બોડકદેવ ૪૪
સાયન્સસીટી ૪૧
ગોતા ૩૦
ચાંદલોડીયા ૩૪
સરખેજ ૪૭
જોધપુર ૪૫
બોપલ ૧૩
દાણાપીઠ ૩૭
દુધેશ્વર ૪૧
મેમ્કો ૩૭
નરોડા ૩૪
કોતરપુર ૩૫
મણિનગર ૩૭
વટવા ૫૪
સરેરાશ ૩૯.૧૦








