Gujarat

છૂટાછેડા બાદ લિવ ઇન રિલેશનશીપથી રહ્યા, હવે પૂર્વ પતિ સામે દુષ્કર્મનો આરોપ

By GS TEAM
25 Jun 20252 mins read
છૂટાછેડા બાદ લિવ ઇન રિલેશનશીપથી રહ્યા, હવે પૂર્વ પતિ સામે દુષ્કર્મનો આરોપ

રાજકોટની મહિલાએ પૂર્વ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

મહિલાએ પોલીસને કહ્યું કે પુત્ર માટે તેણે પૂર્વ પતિ સાથે લિવ ઇન રિલેશનશીપના કરાર કર્યા હતા

રાજકોટ: રાજકોટમાં એક મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા બાદ તેની સાથે લિવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું હતું. હવે આ મહિલાએ તેના પૂર્વ પતિ સામે દુષ્કર્મ  ગુજાર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાવી છે.જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

૩૦ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૧૯માં તેના લગ્ન થયા હતાં. દામ્પત્યજીવન દરમિયાન  પુત્રની પ્રાપ્તિ થઇ હતી. એકબીજા સાથે મનમેળ નહીં થતાં ૨૦૨૪ની સાલમાં છૂટાછેડા લઇ લીધા હતાં. તે વખતે પુત્ર પૂર્વ પતિ સાથે રહેતો હતો. આ સ્થિતિમાં તેણે પુત્રના કારણે પતિ સાથે લિવ ઇન રિલેશનશીપથી રહેવાનું શરૂ કર્યું હતું.

તે સાથે જ પતિએ પ્રથમ દિવસથી જ તેને એવું કહેવાનું શરૂ કર્યું હતું કે તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખ તો તને તારા પુત્ર સાથે મળવા નહીં દઉં, તમને બંનેને પતાવી દઇશ, કારણ કે મેં તને કાયદેસરના છૂટાછેડા આપી દીધા છે, જેથી તું મારું કાંઇ ખરાબ કરી શકીશ નહીં.

આ રીતે ધમકી આપી પતિ અવારનવાર તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધતો હતો. તેણે પુત્ર સાથે માવતર પાસે જવાની વાત કરતાં પૂર્વ પતિએ કહ્યું કે તું મારું કાંઇ બગાડી શકીશ નહીં, મેં તારી સાથે લિવ ઇન રિલેશનશીપ એટલે જ કર્યા છે, જેથી હું તારો ઉપયોગ કરી શકું. 

ગત જાન્યુઆરી માસમાં પૂર્વ પતિ તેને અને પુત્રને અમદાવાદ લઇ આવ્યો હતો. જ્યાં એક હોટલમાં બે દિવસ રોકાયા હતાં. જે દરમિયાન પણ તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. પરત આવી ફલેટ ઉપર પણ શરીર સંબંધ બાંધ્યો હતો. લિવ ઇન રિલેશનશીપ બાદ પૂર્વ પતિએ તેનો મોબાઇલ નંબર બંધ કરાવી નવો નંબર ચાલુ કરાવ્યો હતો. 

એટલું જ નહીં તેના માતા-પિતા સાથે વાતચીત કરવાની પણ ના પાડી દીધી હતી. એક દિવેસે વોટ્સએપ કોલથી માસી સાથે સ્પીકર ઉપર વાત કરતી હતી ત્યારે પૂર્વ પતિને ખબર પડી હતી કે તેના પિતાને અકસ્માત થયો છે. આ સ્થિતિમાં તેણે પૂર્વ પતિને તેના પિતાની ખબર પૂછવા જવાનું કહેતાં તેને માવતરે મૂકી ગયો હતો.

બાદમાં લેવા પણ આવ્યો ન હતો. તેના કૌટુંબીક જેઠને કહ્યું કે લિવ ઇન રિલેશનશીપના કરાર હવે છૂટા કરવા છે. જેથી તે માતા સાથે લિવ ઇન રિલેશનશીપ છૂટા કરવા મોરબી ગઇ હતી. હાલમાં તેનો પુત્ર પૂર્વ પતિ પાસે છે. તેના પિતા અને સમાજના આગેવાનોએ અવારનવાર પ્રયાસો કર્યા છતાં પૂર્વ પતિ પુત્રનો કબજો સોંપતો નથી. મહિનામાં એકાદ વખત જ તેને પુત્ર સાથે મળવા દેતો હતો. 

જેથી તેના પુત્રને નુકસાન પહોંચાડશે તેવો ડર લાગતાં આજ સુધી ફરિયાદ કરી ન હતી. પુત્રના કબજા માટે કોર્ટમાં દાદ માંગી છે.