જામનગરના એક મિલ માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ સામે તાજેતરમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાયા બાદ તેની સામે વધુ એક ગુન્હો નોંધાયો છે. પોતાના જ ભાગીદાર એવા લેન્ડ ડેવલોપર સાથે ખરીદ કરેલી જમીન કે જેના ભાવ આસમાને પહોંચતાં દાનત બગડી હોવાથી ભાગીદાર નો હિસ્સો નહીં આપવાના ભાગરૂપે પોતાની જગ્યામાં બોલાવી રિવોલ્વરની અણીએ પતાવી દેવાની ધમકી આપી ઢોર માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
લેન્ડ ડેવલોપર દ્વારા પોલીસમાં કરાયેલી અરજી ફાઈલ થઈ ગઈ હોવાથી આખરે જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેકટરે તાત્કાલિક ગુનો નોંધવા આદેશ કરતાં આખરે આ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.
જામનગરનો એક મિલમાલિક આરોપી જે અત્યાર સુધી રાજકીય અગ્રણી પણ હતો, તેની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા પછી હવે જમીન મકાન સંબંધિત કુંડાળાઓ બાબતે પણ આ આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જામનગરમાં પંચવટી સોસાયટીની બાજુમાં મયૂરબાગમાં રહેતાં જમીન મકાનના લેન્ડ ડેવલોપર અશોક દેવશીભાઈ અકબરી(47) એ જામનગરના અગ્રણી ઉદ્યોગ પતિ અને જનક ઓઇલ મિલ ના માલીક વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ભાગીદારીમાં ખરીદ કરેલી અનેક કિંમતી જમીનો કે જેમાં તેનો હિસ્સો નહીં આપી રિવોલ્વર ની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની તેમજ પોતાને તેમજ પોતાના ભાઈ ને ઢોર માર માર્યા ની ફરિયાદ દાખલ કરાવી છે.
આ ગુનાઓ પાછલાં ૩ વર્ષ દરમ્યાન વિશાલ મહેન્દ્રભાઈ મોદી દ્વારા આચરવામાં આવ્યા છે, તેમ આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ફરિયાદી અશોકભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે કે, આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી કે જે પોતાની સાથેની અલગ અલગ જગ્યાઓ પર આવેલી અતિ કિંમતી મિલકતોમાં ભાગીદાર છે, પાછલા ૩ વર્ષ દરમ્યાન ઉદ્યોગપતિ વિશાલે આ ફરિયાદી અશોકભાઈ તથા તેના ભાઈ ભરતભાઇને અલગ અલગ જગ્યાઓ પર બોલાવ્યા હતા, અને જમીન માં ભાગ આપવાના મામલે તકરાર કરી હતી. અગાઉ ખરીદ કરેલી મિલકતો કે જેની હાલ બજાર કિંમત ખૂબ જ ઊંચી થઈ ગઈ હોવાથી વિશાલ ની દાનત બગડી હતી, અને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો હતો.
વિશાલે આ ફરિયાદી તથા તેના ગ્રાહકોના અલગઅલગ જગ્યાઓ પર આવેલાં પ્લોટ તથા મૂડી છૂટા કર્યા નથી, ફરિયાદી તથા તેના ભાઈને ઢોર માર માર્યો છે, ગાળો આપી છે, ટાંટિયા ભાંગી નાંખવાની તથા રિવોલ્વર ની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે, તેમ આ ફરિયાદમાં જણાવાયું છે.
આ બધા ગુનાઓ દરેડ ફેઈઝ-3, મસિતિયામાં આવેલી અપના ઈમ્પેક્સ ઓફિસમાં તથા દરેડ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા કન્સ્ટ્રક્શન સાઈટ પર તથા આરોપીની બેડી વિસ્તારમાં આવેલી જનક ઓઈલ મીલ ખાતે આરોપીએ આચર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમેં વિશાલ મોદી સામે આઈ.પી.સી. કલમ 323, 504 અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી છે.
છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન વિશાલ મોદીના ત્રાસ, ધાકધમકી અને મારકુટ વગેરેથી કંટાળીને અશોકભાઈએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી, પરંતુ અગાઉ તેની અરજી ફાઈલ થઈ ગઈ હતી.
આખરે સ્વાગત નિવારણ સમક્ષ પોતે ફરિયાદ કરી હતી, જેમાં જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં જે તે વખતે જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ હાજર રહ્યા હતા, અને સાંભળ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતે છેલ્લા પાંચ વર્ષથી વિશાલ મોદી ની ધાકધમકી, ત્રાસ, અને મારકુટ નો ભોગ બની રહ્યા છે. પોતાને ભાગ આપવાના બદલે ગાળો આપી મારકુટ કરાય છે. તેમજ તેની સામેની પોલીસ ફરિયાદ નોંધાવાતી નથી. જે રજૂઆત સાંભળીને જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરતથી આ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, જેના અનુસંધાને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ આ આરોપી વિશાલ મહેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસમાં આરોપીએ પોલીસને તપાસમાં સહયોગ આપવો પરંતુ આરોપીની ધરપકડ કરી શકાશે નહીં, અને સાત દિવસ પહેલાં નોટિસ પાઠવવી, એવું આ અગાઉ વડી અદાલતે કહેલું. તે દરમ્યાન હવે આ જ આરોપી વિરુદ્ધ બીજો ગુનો ખુદ તેના ભાગીદારે દાખલ કરાવ્યો છે, જેથી ભારે ચકચાર જાગી છે પોલીસે તેની અટકાયત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


