વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓ કચેરીએ વડોદરાની વિબગ્યોર સ્કૂલને 30000નો દંડ ફટકાર્યો
Vadodara : વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઈઓ કચેરીએ આ સ્કૂલને 30000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ 10000 રૂપિયા, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ 10000 રૂપિયા અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણકાર્ય કરાવવા બદલ 10000 રૂપિયાનો એમ કુલ 30000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, સ્કૂલના 100 જેટલા વાલીઓ દ્વારા કચેરીને ફરિયાદ કરવામાં આવી હતી કે, વિબગ્યોર સ્કૂલના સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લઈ રહ્યા છે તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે. એ પછી અમે ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી. આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનુ જણાવ્યુ હતું. સ્કૂલને રાઈટુ એજ્યુકેશન એકટની કલમ 17, 19 અને 23નું ઉલ્લંઘન કરવા બદલ કુલ 30000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ સ્કૂલે સાત દિવસમાં ભરવાની રહેશે. નહીંતર સ્કૂલ સામે આગળની કાર્યવાહી થશે.
ડીઈઓએ કહ્યું હતું કે, ગુજરાત બોર્ડ સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલ, દરેક સ્કૂલે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર આવી તમામ સ્કૂલો સામે ડીઈઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.