મહિલા વેપારી પાસેથી રૂ.6.45 લાખના તરબૂચ ખરીદ્યા બાદ રૂ.4.85 લાખ ન ચૂકવી ઠગાઈ
સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે
ટેમ્પો ચાલકે અલગ 61 ટન તરબૂચ લઈ રૂ. 1.60 લાખ ચૂકવ્યા હતા
સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે રૂ. 6.45 લાખની કિંમતના તરબૂચની ખરીદી કર્યા બાદ રૂ. 4.85 લાખ ઉપરાંતની બાકી રકમ ન ચૂકવી ઠગાઈ મામલે ટેમ્પો ચાલક સામે મહિલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ વાઘોડિયા રોડ ખાતે રહેતા ઉષાબેન જેસીંગભાઇ દેવીપુજક ફ્રુટની લારી ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, છ મહિના અગાઉ સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે ફ્રુટ વેચવા ગઈ હતી તે વખતે ટેમ્પો ચાલક યોગેશ શૈલેષભાઈ વસાવા (રહે - નીકોલી, નાંદોદ ,નર્મદા) તરબૂચ ખરીદવા માંગતા હોય અલગ અલગ સમયે 61ટન વજન ધરાવતા રૂ. 6,45,543ની કિંમતના તરબૂચ આપ્યા હતા. તેની સામે યોગેશ વસાવાએ અમને રૂ. 1.60 લાખ આપ્યા હતા અને રૂ. 4,85,443 બાકી હતા. ત્યારબાદ બાકી રકમ ચૂકવવા યોગેશભાઈએ બે ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં ડિપોઝિટ કરવાની ના પાડતા અમે રાજપીપળા પહોંચ્યા હતા. જ્યાં યોગેશભાઈએ બાકીની રકમ 30 મે સુધી ચૂકવવાની શરતે નોટરી સમક્ષ કરાર કરી આપ્યો હતો. મુદત વિતવા છતાં બાકીની રકમ ન આપતા રાજપીપળા એસપી કચેરી ખાતે અરજી આપી હતી. ઉક્ત ફરિયાદ સંદર્ભે કપુરાઇ પોલીસે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત ,છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.