Gujarat

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં ઘરમાં ઘૂસીને યુવાનની કરપીણ હત્યા

By GS TEAM
27 Jun 20252 mins read
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં ઘરમાં ઘૂસીને યુવાનની કરપીણ હત્યા

રાણાવાવના મોકર ગામે વાડી વિસ્તારનો બનાવ છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારી 4 શખ્સો નાસી છૂટયા

પોરબંદર, : પોરબંદરના રાણાવાવ નજીક આવેલા મોકર ગામના વાડી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના યુવાનની ઘાતકી હત્યા થતાં બનાવ સ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે રાણાવાવ તાલુકાના મોકર ગામ નજીક ખોડીયાર માતાજીના મંદિરથી થોડે દૂર રહેતા રાજુ દાનાભાઈ કોડીયાતર નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘરે જ કોઇ શખ્સોએ બેફામ માર મારીને અને ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ હત્યારાઓ નાસી છૂટયા હતા. તેના પરિવારજનોને બનાવની ખબર પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઇમરજન્સી સેવા 108ને જાણ કરી હતી. બાપોદર લોકેશન ખાતેથી 108ની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. અને તપાસ કરતાં આ રાજુ નામના યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાણાવાવની હોસ્પિટલે લઇ જવાયો હતો. તેના શરીર ઉપર ચપ્પુના ઘાના નિશાન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક વિગત પ્રમાણે મૃતક યુવાને કેટલાક સમય પહેલા એક યુવતીને ભગાડી હતી અને તે યુવતી તેના જ સમાજની હતી. તેના મનદુ:ખમાં બઘા વેજા કોડીયાતર, કાના કરણા કોડીયાતર, હીરા ગલા કોડીયાતર, વેજા કરણા કોડીયાતરે પ્રાણઘાતક હથિયારો લઇને તેના ઘરમાં ઘૂસીને હત્યા કરીને નાશી છૂટયા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.