Gujarat

અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો

By GS Team
14 Aug 20252 mins read
This article was originally published on 14 Aug 2025
અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ  રહ્યો હતો

વડોદરા : અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી વ્યક્તિ સાથે રૃા.૯૦ લાખની છેતરપિંડી કરી ફરાર થઇ ગયેલો શખ્સ ગઇકાલે વડોદરાના વિજયનગરમાંથી ઝડપાયેા બાદ આજે સેટેલાઇટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં અમદાવાદ ખાતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રહેતા જીજ્ઞોશભાઇ મોહરોવાલાએ આરોપી હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમપ્રસાદ યાજ્ઞિાક સામે રૃા.૯૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોઇ તેમણે આરોપી હિતેશ યાજ્ઞિાકને તેના જન્માક્ષર બતાવ્યા હતા. આરોપીએ જન્માક્ષર જોઇને તમારી તકલીફના નિવારણ માટે મંત્ર જાપ કરવા પડશે અને કેટલીક વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું ફરિયાદી પાસેથી રૃા.૯૦ લાખ મેળવી છેતરપિંડી કરી હતી.

અમદાવાદમાં લાખોની છેતરપિંડી કરનારા આરોપી હિતેશને બાતમીના આધારે પોલીસે ગઇકાલે વડોદરાથી ઝડપી પાડયા બાદ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી રૃા.૯૦ લાખ રિકવર કરવાના છે. બનાવમાં અન્ય કેટલા શખ્સ સંડોવાયેલા છે અને બીજા કોઇ શખ્સો સાથે આરોપીએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના તા.૧૮મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ઠગાઇ કર્યા બાદ તે જામનગર જતો રહ્યો હતો અને ત્યાં તે હનુમાનજીના મંદિરમાં સેવાપુજા કરતો હતો અને કર્મકાંડ કરતો હતો. દરમિયાનમાં બે વર્ષ વીતી જતા પોલીસનો ડર ઓછો છતાં વડોદરામાં તે સુરક્ષિત રીતે રહી શકશે તેમ જણાતા તે વડોદરા આવ્યો હતો અને વિજયનગરમાં રહીને કર્મકાંડ કરતો હતો. જો કે, આરોપીની છેતરપિંડીના ગુનામાં અમદાવાદ પોલીસે ધરપકડ કરતા વિજયનગરના રહીશોમાં પણ આરોપી હિતેશે વડોદરામાં પણ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું અને દાગીના લઇ લીધી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

 કોરોનામાં માતા-પિતાની સારવારમાં ૩૫ લાખ ખર્ચી નાંખ્યા

૯૦ લાખની છેતરપિંડી આચરી છેલ્લા ચાર વર્ષથી ફરાર હિતેશને વડોદરાથી ઝડપી લેવામાં આવ્યા બાદ સેટેલાઇટ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પૈસા બાબતે આરોપીએ જણાવ્યું હતું કે, તેને રૃા.૯૦ લાખ નહી પરંતુ રૃા.૩૫ લાખ જ ફરિયાદીએ આપ્યા છે. પૈસા બાબતે પૂછવામાં આવતાં આરોપીએ જણાવ્યું હતું કે, કોરોના સમયે તેના માતા-પિતાની તબિયત લથડતા તેની સારવારમાં આ તમામ રકમ ખર્ચાઇ ગઇ છે. જ્યારે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેણે આરોપી હિતેશને બે એક્ટીવા પણ લઇ આપ્યા હતા જે બન્ને એક્ટીવા હાલ આરોપી પાસે ન હોઇ પોલીસે તે કોની પાસે છે ? તેની પણ તપાસ હાથ ધરી છે.