Gujarat

બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી

By GS TEAM
5 Apr 20262 mins read
બહિયલ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રામાંથી પાંચ પશુની ઉઠાંતરી

દહેગામ પંથકમાં પશુ ચોરોનો વધતો જતો ત્રાસ

ખેડૂત અને પશુપાલકના આંગણેથી પશુઓની ચોરી થતા પંથકમાં ફફડાટ ઃ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પશુ ચોર ટોળકીયે તરખાટ મચાવ્યો છે. બહિયલ ગામ બાદ વાસણા સોગઠી અને પાલુન્દ્રા ગામની સીમમાંથી ૫ ભેંસોની ચોરી થવાની ઘટના સામે આવી છે. પશુ ચોરીની વધતી ઘટનાઓને પગલે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ મામલે દહેગામ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી પશુ ચોર ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. જેના કારણે તાલુકાના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. બહિયલ ગામમાં એક જ રાતમાં ચાર ભેંસની ચોરીની ઘટના બહાર આવ્યા બાદ હવે વાસણા સોગઠી અને પાલુન્દ્રા ગામમાંથી પણ પાંચ ભેસોની ચોરીની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે વાસણા સોગઠી ગામે રહેતા દશરથભાઈ હીરાભાઈ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત બુધવારના રોજ તેઓ રાત્રે પશુઓને ઘાસચારો નાખીને સુઈ ગયા હતા. વહેલી સવારે ૫ વાગ્યે તપાસ કરતા તેમના ઘર આગળ બાંધેલી ૬ ભેંસો પૈકી એક આશરે ચાર વર્ષની ગાભણ ભેંસ ગાયબ જણાઈ હતી. પોતાના પશુની શોધખોળ દરમિયાન તેઓને પાલુન્દ્રા ગામના બદસિંહ જુગતસિંહ ચૌહાણ મળ્યા હતા. બદસિંહે જણાવ્યું હતું કે, તે જ રાત્રિના ૨થી ૫ વાગ્યાના અરસામાં પાલુન્દ્રા-ચીસકારી રોડ પર આવેલા તેમના ખેતરમાંથી પણ તસ્કરો એક ભેંસ અને ત્રણ પાડીઓની ચોરી કરી ગયા છે. શરૃઆતમાં પશુપાલકોએ પોતાની રીતે શોધખોળ કરી હતી, પરંતુ પશુઓ ન મળી આવતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ૯૦ હજારના પશુઓની ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે. આ વિસ્તારમાં કોઈ ચોક્કસ ટોળકી સક્રિય થઈ હોવાની શંકાને આધારે હાલ પોલીસ દોડી રહી છે.