Get The App

વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી

એક સપ્તાહ પહેલાં વડોદરા નજીક ડૂપ્લિકેટ નોટો બનાવવાનું રેકેટ પકડાયું હતું

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં AXIS અને PRIME CO OP બાદ ICICI બેન્કમાં ડૂપ્લિકેટ નોટો મળી 1 - image

વડોદરાઃ વડોદરાની બેન્કોમાંથી જાલી નોટો મળી આવવાના બનાવો અવારનવાર બની રહ્યા છે અને નોટોનું પગેરું મળતું નથી ત્યારે વધુ એક ખાનગી બેન્કમાંથી રૃ.૨૦૦ના દરની ૭ નોટો મળતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે ડૂપ્લિકેટ નોટોનું ધૂમ ચલણ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત રહ્યું નથી.વડોદરાની ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોના ભરણામાં અવારનવાર જુદાજુદા દરની નોટો મળી આવવાના કિસ્સા બનતા હોય છે.

જાન્યુઆરી-૨૦૨૬માં નિઝામપુરાની એક્સિસ બેન્કના ભરણામાં ૫૦૦ ના દરની ૧૭ નોટો મળી આવતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો.ત્યાર પહેલાં પણ ઓગષ્ટ-૨૦૨૫માં હાથીખાનાની પ્રાઇમ કો ઓ બેન્કના ખાતામાં ૫૦૦ના દરની ૧૩ નોટો મળી આવતાં ફરિયાદ નોંધાઇ હતી.

આવા જ એક બનાવમાં વાઘોડિયા રોડની આઇસીઆઇસીઆઇ બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાં ગઇ તા.૧૪મીએ રાત્રે ૧૦.૧૭ વાગે કોઇ અજાણ્યો શખ્સ કેશ ડિપોઝિટ કરી ગયો હતો.જેમાં તેના ખાતામાં માત્ર રૃ.૩૦૦ જમા થયા હતા.જ્યારે રૃ.૨૦૦ના દરની ૭ નોટો ડૂપ્લિકેટ હોવાથી કેશ રિજેક્શન બોક્સમાંથી મળી આવી હતી.આ બનાવ અંગે બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.

સપ્તાહ પહેલાં સાવલીના આસોજ ખાતે ડૂપ્લિકેટ નોટો  બનાવવાનું રેકેટ પકડાયું હતું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક સપ્તાહ પહેલાં જ ડૂપ્લિકેટ નોટો બનાવવાનું રેકેટ પકડાયું હતું.

આસોજ બસસ્ટેન્ડ પાસે ભાડેથી રાખેલા મકાનમાં ડૂપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની વિગતોને પગલે જિલ્લા એલસીબીએ દરોડો પાડતાં લેપટોપ,પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા.

પોલીસને રૃ.૫૦૦ના દરની ૧૪ તેમજ રૃ.૨૦૦ના દરની ૩ ડુપ્લિકેટ નોટો પણ મળી આવતાં નરેન્દ્ર પાલ અને હેમંત જાગીડની ધરપકડ કરવામાં આવી હતી.વડોદરા શહેરમાં મળેલી નોટોનું ઉપરોક્ત આસોજના રેકેટ સાથે કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.