Gujarat

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ

By GS TEAM
18 May 20262 mins read
TukuTouch Logo
મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારવામાં આવ્યા બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો 19મી મેથી મંગળવારથી જ અમલમાં આવી જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ

Sumul Dairy Milk Price Hike : મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવ વધારવામાં આવ્યા બાદ હવે સુરતની સુમુલ ડેરીએ પણ દૂધની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલો આ ભાવ વધારો 19મી મેથી મંગળવારથી જ અમલમાં આવી જશે.

સુમુલ ડેરીએ પ્રતિ લિટર બે રૂપિયા વધાર્યા

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી એવી સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, દૂધના પેકેજિંગ માટેની ફિલ્મ, વિવિધ ઈનપુટ કોસ્ટ અને ફ્યુઅલ (ડીઝલ)ના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે દૂધના પ્રોસેસિંગ અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હોવાથી ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો : અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો

અગાઉ અમૂલ ડેરીએ ભાવ વધાર્યા

સુમુલ ડેરીના આ નિર્ણય પહેલા હજુ ગત 13મી મેના રોજ જ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના નેજા હેઠળ કામ કરતી અમૂલ ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો, જે 14મી મે 2026થી લાગુ થઈ ચૂક્યો છે.

અમૂલ ડેરીએ દૂધની વિવિધ વરાયટીઓમાં લિટરદીઠ 1 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જેમાં ટી સ્પેશિયલ દૂધની એક લિટરની થેલી પર 3 રૂપિયા અને ભેંસના દૂધની 500 મિલીલિટરની થેલી પર બે રૂપિયા (એટલે કે લિટરદીઠ ચાર રૂપિયા)નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અમૂલના ભેંસના દૂધનો લિટરદીઠ ભાવ વધીને 78 રૂપિયા થઈ ગયો છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

એક જ અઠવાડિયાની અંદર ગુજરાતની બે મોટી સહકારી ડેરીઓ અમૂલ અને સુમુલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાઈ જશે. રોજિંદા વપરાશની વસ્તુ ગણાતા દૂધના ભાવ વધવાને કારણે હવે અન્ય ડેરી પ્રોડક્ટ્સ અને ચા-કોફીના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ