અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર ચાલકે ટોળાને અડફેટે લેતાં નવ લોકોનાં મોત થયાં છે. બ્રિજ પર બનેલી ઘટના બાદ સમગ્ર હાઈવે પર સીસીટીવી કેમેરા નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળેલા મ્યુનિસિપલ તંત્રએ શહેરના તમામ 84 જેટલા બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશ્નરને સૂચના આપવામાં આવી હતી કે, જેટલું પણ બજેટ થાય તેનો ઉપયોગ કરીને ઝડપથી CCTV કેમેરા લગાવવામાં આવે. આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવાશે
AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, આજે ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માત બાદ શહેરના તમામ 84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની સૂચના મ્યુનિસિપલ કમિશનરને આપી દેવામાં આવી છે. સરખેજ ગાંધીનગર હાઇવે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે. જો સરકાર તરફથી કોર્પોરેશનને સોંપવામાં આવશે તો અમે એસ.જી. હાઇવે ઉપર પણ CCTV કેમેરા લગાવી દઈશું. બીજી તરફ ઈસ્કોન બ્રિજના અકસ્માત બાત ટ્રાફિક જેસીપીએ એવું કહ્યું હતું કે સરખેજ હાઈવે પર સીસીટીવી લગાવવા માટે NHAIને અનેક વખત રજૂઆતો કરેલી છે પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી. NHAI આ મામલો R&Bમાં આવતો હોવાનું રટણ કરે છે. જ્યારે R&B છટકબારીઓ શોધીને છટકી જાય છે.
6 હજારમાંથી 10 ટકા CCTV કેમેરા બંધ
અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.


