15 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં તાંદલજાના અબ્દુલ અને તેના પુત્ર બાદ પત્ની ઝરીના પણ પકડાઇ

વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા એક પરિવારના કેટલાક સભ્યો પાસે હાઇબ્રિડ ગાંજો મળી આવતાં પોલીસે પિતા-પુત્ર બાદ હવે મહિલાની પણ ધરપકડ કરી છે.
તાંદલજા વિસ્તારમાં બેસીલ સ્કૂલ પાસે શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને તેના પરિવારના કેટલાક સભ્યો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા હોવાથી અગાઉ પણ પોલીસે કેસ કર્યા હતા.
ગઇ તા.૨૮મી મે એ એસઓજીએ અબ્દુલ અને તેની સાથે ધુ્રવ બાબુભાઇ ચૌધરીને ટુવ્હીલર પર બેસી હાઇબ્રિડ ગાંજાની પડીકીઓ વેચતા ઝડપી પાડી કેસ નોંધાવ્યો હતો.પોલીસે રૃ.૧૫લાખની કિંમતનો ૫૦૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.ત્યાર પહેલાં પણ પોલીસે અબ્દુલને ગાંજાના કેસમાં પકડયો હતો.જ્યારે તેના પુત્ર સામે પણ ૨૨ લાખના ગાંજાનો કેસ કર્યો હતો.
૧૫ લાખના ગાંજાના કેસમાં પોલીસે અબ્દુલની પૂછપરછ કરતાં પુત્ર આદીબ સુરતથી ગાંજો લાવ્યો હોવાની અને માતા ઝરીનાને આપ્યો હોવાની વિગતો ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.આદીબ પકડાઇ ગયા બાદ એસઓજીએ તેની માતાને પણ ઝડપી પાડી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે,ઝરીના સામે અગાઉ પણ ૫૬૨ કિલો ગાંજો અને રૃ.૬૬૪૬ ની કિંમતના ચરસનો કેસ થયો હતો.









