જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા
Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને બપોર દરમિયાન આકરો તાપ પડી રહ્યો હતો. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ આખરે આજે જામનગર શહેરમાં વાતાવરણ પલટાયું હતું, અને વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળાઓ ખડકાઈ ગયા હતા. ત્યારબાદ સવારે 10.00 વાગ્યાથી ઝરમર ઝરમર ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અને હજુ પણ વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
જામનગર શહેર ઉપરાંત લાલપુર અને કાલાવડ પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો છે. બંને તાલુકાઓમાં ગઈકાલે સાંજથી જ હવામાન પલટાયું હતું, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ત્યારબાદ આજે પણ વરસાદી માહોલ બંધાયેલો છે, અને વધુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આજના વરસાદી વાતાવરણને લઈને શહેર જિલ્લામાં ઉકળાટભર્યા વાતાવરણમાં મહદ અંશે રાહત મળી છે.