Get The App

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ 1 - image

- પ્રત્યેક ખેડૂત પાસેથી 125 મણની મર્યાદામાં ખરીદી કરાશે

- બજાર કરતા મણે 200 વધુ મળતા ખેડૂતોમાં આનંદ : તાલુકામાં 200 થી વધુ ખેડૂતોનું નોંધણી કાર્ય પૂર્ણ

સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટ યાર્ડમાં ૧૨ દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થયે છે. બજાર કરતા મણે ર૦૦ વધુ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. હાલ તાલુકામાં ૨૦૦થી વધુ ખેડૂતોનું નોંધણી કાર્ય પૂર્ણ થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી રાહ જોયા બાદ અંતે ટેકાના ભાવે તુવેરની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતા ૧૨ દિવસ મોડી ખરીદી શરૂ થતા શરૂઆતમાં ખેડૂતોમાં રોષ હતો, પરંતુ હવે પ્રારંભ થતા ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલમાં અંદાજે ૨૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારના નિર્ણય મુજબ, બે હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક ખેડૂત પાસેથી મહત્તમ ૧૨૫ મણ તુવેરની ખરીદી કરવામાં આવશે.

બજારના ગણિત મુજબ, હાલ ઓપન માર્કેટમાં તુવેરના ભાવ પ્રતિ મણ અંદાજે રૂ. ૧૪૦૦ ચાલી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ રૂ. ૧૬૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આમ, મણે રૂ. ૨૦૦નો સીધો ફાયદો થતો હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા વધુ રસ દાખવી રહ્યા છે. જે ખેડૂતોએ હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ યાર્ડ ખાતે નોંધણી કરાવી શકશે. વ્યવસ્થા જાળવવા માટે દરરોજ ૧૫ ખેડૂતોને તબક્કાવાર બોલાવવામાં આવશે. ખરીદી દરમિયાન બારદાનનું વજન અને વજનકાંટામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.