Gujarat

એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે

By GS TEAM
8 May 20261 min read
એક દાયકા પછી મ્યુનિ.તંત્રે સ્કૂલ હેતુ માટેના બે પ્લોટ વેચ્યા,૩૬.૯૭ કરોડ આવક થશે

 અમદાવાદ,શુક્રવાર,8 મે,2026

દસ વર્ષ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્કૂલ હેતુ માટેના બે પ્લોટનું વેચાણ કરવામા આવ્યુ છે. બે પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૩૬.૯૭ કરોડની આવક થશે.હંસપુરા વિસ્તારમા આવેલો સ્કૂલ હેતુ માટેનો પ્લોટ રુપિયા ૨૬.૫૬ કરોડમાં જયારે નિકોલ વિસ્તારનો પ્લોટ રુપિયા ૧૦.૪૧ કરોડમાં વેચાયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમા આવેલા સ્કૂલ હેતુ માટેના ત્રણ પ્લોટ માટે ઈ-ઓકશન કરવામા આવ્યુ હતુ.જેમા હંસપુરા વિસ્તારનો ૪૪૨૭ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ ઉત્થાન સેવા સંસ્થાન,મણિનગરને વેચવામા આવ્યો હતો.ઓગસ્ટ-૨૫માં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિકોલ,હંસપુરા અને થલતેજ વિસ્તારમા આવેલા સ્કૂલ હેતુ માટેના પ્લોટનુ હરાજી કરી વેચાણ કરવા માટે મંજૂરી આપવામા આવી હતી.ત્રણ પ્લોટના ઈવેલ્યુએશન પછી બેઝ પ્રાઈસ રુપિયા ૧૪૪.૪૪ કરોડ નકકી કરવામા આવી હતી.પરંતુ તેમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરીને રુપિયા ૭૨.૨૨ કરોડ નકકી કરવામા આવી હતી.થલતેજના પ્લોટ માટે કોઈ બીડરે રસ બતાવ્યો નહોતો.જેથી આ પ્લોટ વેચાયો નથી.

હંસપુરાના પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૩૫ હજાર કિંમત નકકી કરવામા આવી હતી.જેની સામે  પ્રતિ ચોરસમીટર રુપિયા ૬૦ હજારનો ભાવ મળ્યો હતો.નિકોલ વિસ્તારમા આવેલ પ્લોટનુ પ્રયાસ ધ ફાઉન્ડેશન ઓફ સ્પોર્ટસ,કલ્ચર અને એજયુકેશન ટ્રસ્ટને વેચાણથી અપાયો છે.આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨૮ હજાર બેઝ પ્રાઈસ નકકી કરાઈ હતી.જેની સામે પ્રતિ ચોરસમીટર રુપિયા પચાસ હજારમા પ્લોટનુ વેચાણ થયુ હતુ.