Get The App

અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર 1 - image


Ahmedabad News: અમદાવાદમાં 'લૂંટારી દુલ્હન' તરીકે ઓળખાતી અને છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલી મુખ્ય આરોપી માનવી મીણાને આખરે ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી માનવી અને તેની ટોળકી ખાસ કરીને એવા ઉંમરલાયક યુવકોને શોધતી હતી જેમના લગ્ન થવામાં મુશ્કેલી પડતી હોય. પરિવારનો વિશ્વાસ જીતી લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ આ યુવતી લાખોની રોકડ અને દાગીના ચોરીને પલાયન થઈ જતી હતી.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, વર્ષ 2022માં માધુપુરાના એક યુવક સાથે લગ્ન કર્યા બાદ માનવી માત્ર ચાર જ દિવસમાં દોઢ લાખની રોકડ અને કિંમતી ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા તેના માતા-પિતા અને એક સાથીદારની પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર માનવી સતત અલગ-અલગ શહેરોમાં આશરો લઈને પોલીસથી બચતી રહી હતી. અંતે ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આઈપી મિશન ચર્ચ પાસે વોચ ગોઠવી તેને દબોચી લીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદના માણેકચોકમાં બંગાળી યુવકનો આપઘાત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

હાલમાં આરોપીને વધુ તપાસ માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે, જ્યાં તેના ફોન રેકોર્ડ્સ અને બેન્ક ખાતાઓની વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં પણ અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા હશે. આ તપાસ દરમિયાન લગ્નના નામે છેતરપિંડી આચરતા આ મોટા રેકેટમાં સામેલ અન્ય શખસો અને ભોગ બનેલા નવા પીડિતોના નામો સામે આવવાની શક્યતા છે.