જાંબુઘોડામાં ૩૦ વર્ષમાં પ્રથમવાર કાળાને બદલે ભૂરા રંગનું રીંછ દેખાયું!
વડોદરા, તા.5 ઓક્ટોબર,શુક્રવાર
જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરીમાં કાળા રીંછ જોવા મળતા હોય છે. પણ ૩૦ વર્ષમાં પ્રથમવાર ભૂરા રંગનું એક રીંછ જોવા મળ્યું છે.જાંબુઘોડાનો આજસુધી રેકોર્ડ રહ્યો છે કે કાળાવાળ ધરાવતા જ રીંછ નજરે પડે છે પરંતુ ચાર-પાંચ મહિના અગાઉ ભૂરા રંગનું રીંછ જોવા મળ્યું છે.એમ જંગલવિભાગ સાથે સંકળાયેલા ધ્યાનેશ ત્રિવેદીએ કહ્યું છે.
દર વર્ષે ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું વાઈલ્ડ લાઈફ વીક તરીકે ઉજવાય છે જેના ભાગરુપેે ચાર વાઈલ્ડ લાઈફ પ્રેમીઓએ જંગલમાં જોવા મળતા દુર્લભ, શિકારીની શોધમાં નીકળેલા તેમજ લાક્ષણિક મુદ્રામાં બેસેલા પશુ-પક્ષીઓના ૭૦ જેટલા ફોટો ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં એક્ઝિબીશનના ભાગરુપે તા.પાંચથી સાત સુધી લોકો માટે ખુલ્લા મૂક્યા છે. ધ્યાનેશે કહ્યું કે, ફોટોગ્રાફ મારફતે લોકોમાં દુર્લભ પશુ-પક્ષીઓ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી અમે છેલ્લા ચાર વર્ષથી વાઈલ્ડ લાઈફ વીકની ઉજવણી કરી રહ્યા છીએ.
વાઘોડિયા તાલુકાના અન્ટોલી ગામના જંગલમાં અમેે શિકારી પ્રાણી ચિત્તાને ગાય સાથે બેઠેલ જોયો હતો. અનોખી મૈત્રી દર્શાવતી આ દુર્લભ મુદ્રાને અમે કેમેરામાં કેદ કરી હતી. આ સિવાય શહેરમાં ક્યારેય ન દેખાતી તેમજ જંગલમાં પણ દુર્લભ કહી શકાય તેવી કાળી ખિસકોલી, ઉડતી ખિસકોલી અને તામ્રવર્ણી ટપકાવાળી બિલાડી જાંબુઘોડામાં જોવા મળી હતી.એશિયામાં ફક્ત કચ્છના રણમાં અને હિમાલયમાં જોવા મળતા ઘુડખરના ફોટો પણ લોકો માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
-કચ્છનું છેલ્લુ નર ઘોરાડ તસવીર રુપે રહી ગયું!
ધ્યાનેશે કહ્યું કે, ગુજરાતમાં ઘોરાડ પક્ષી ફક્ત કચ્છના રણમાં જ જોવા મળે છે. ગત વર્ષે ફક્ત આઠ જ પક્ષીઓ બચ્યા હતા. જ્યારે અમે માર્ચ ૨૦૧૮માં ઘોરાડ પક્ષીઓનો ફોટો ક્લિક કરવા ગયા ત્યારે અમને ચાર ઘોરાડ પક્ષી જોવા મળ્યા હતા જેમાંથી ત્રણ માદા અને એક નર હતું. નર ઘોરાડની જે તસવીર લીધી હતી તે બે અઠવાડિયા પહેલા જ મોતને ભેટયું છે. આ પક્ષી એટલું દુર્લભ છે કે જંગલ વિભાગે તેની ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.કચ્છના રણમાં લગાવેલી પવનચક્કીઓને કારણે ઘોરાડ મોતને ભેટી રહ્યા છે.કદાચ એવો પણ સમય આવશે કે ઘોરાડ જોવા માટે રાજસ્થાન જવું પડે.
-પર્વત પર સીધુ ચઢાણ કરતા બ્લ્યુ શીપ
બ્લ્યુ શીપ ફક્ત લદાખમાં જ જોવા મળે છે. ઘણા પશુઓ ઢાળનો સહારો લઈને પર્વત ચઢતા હોય છે જ્યારે બ્લ્યુ શીપ એકલું જ એવું પ્રાણી છે જે પર્વત પર સીધુ ચઢાણ કરે છે. અને તેઓ ૨૦-૨૫ના ટોળામાં જ જોવા મળે છે. બ્લ્યુ શીપ બર્ફીલા ચિત્તાઓનો પ્રિય ખોરાક છે.