Gujarat

૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી

By GS TEAM
10 Nov 20251 min read
૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી

વડોદરા : વડોદરાની ડેરા પોળમાં રહેતા અને અગરબત્તીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના બીજા પુત્રએ પણ આજે દીક્ષા લીધી હતી. ૧૧ મહિના પહેલા વેપારીના મોટા પુત્રએ દીક્ષા લીધા બાદ બીજા પુત્રએ દીક્ષા લેતા અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાથી મોટી સંખ્યામાં જૈનો સામેલ થયા હતા.

રાજમહેલ રોડ સ્થિત ડેરાપોળમાં રહેતા ચિરાગભાઇના પત્ની  નૂતનબહેન મરાઠી છે અને દંપતીએ નાનપણ થી બંન્ને સંતાનોને સારા સંસ્કાર આપ્યા હતા. તેમને સંતાન માં બે દીકરા જ છે, જે પૈકી મોટો દીકરો શ્રીરાજે ૧૧ મહિના પહેલા પાલીતાણામાં દીક્ષા લીધી હતી અને હવે આજે નાનો દીકરો અનુજ પણ મોટાભાઈના પગલે અમદાવાદ પાલડી ખાતે આચાર્ય રાજરત્નસુરીની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે.

જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, સવારે પાલડી ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રતિા મહોત્સવ યોજાયો અને ત્યારબાદ વડોદરાના ૧૩ વર્ષના અનુજ તથા અમદાવાદની જૈની શાહની ભાગવતી પ્રવજ્યા દીક્ષા વિધિ નો આરંભ થયો હતો. અનુજને સંસારી નામ ત્યજી નવું નામ મુનિરાજ આત્મરત્ન વિજયજી નામ પાડતા ભાવિક ભક્તો એ વધાવી લીધા હતા