Get The App

યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ સિપાઇની ધરપકડ

અમદાવાદ જતી વખતે .૫૦ લાખની માગણી કરવામાં આવી હતી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
યુવકની ગર્લ ફ્રેન્ડનું અપહરણ કરનારા આફતાબ અને જેલ  સિપાઇની ધરપકડ 1 - image

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીથી કારમાં ભરૃચ જવા નીકળેલા યુવક યુવતીને સુસેન સર્કલ નજીક આંતરીને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીની માંજલપુર પોલીસે ઝડપી પાડયા બાદ આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના તા.૨૫ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગઇકાલે ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માનભાઇ કાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૨ મી તારીખે  બપોરે હું તથા મારી ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા ત્યારે આર્મી કેમ્પ આગળ  સ્કોર્પિયો કારના ચાલકે તેમની કારને આંતરી હતી.

આ શખ્સોએ પોલીસની ઓળખ આપી હતી અને તેમણે ફરિયાદીની ગર્લ  ફ્રેન્ડને કારમાંથી  ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ ફરિયાદીને તથા તેના ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા અને સાડા ચાર લાખ રુપિયા પડાવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે.જેલ સ્ટાફ ક્વાર્ટર) અને આફતાબ નઇમ પઠાણ (રહે.તાંદળજા)ની ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી યાજ્ઞિાક જેલ પોલીસ (સિપાઇ)તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવે છે અને આરોપી આફતાબ તેનો મિત્ર છે. અમદાવાદ જતી વખતે  બન્ને આરોપીએ ફરિયાદીને તારે ૫૦ લાખ આપવા પડશે નહી તો ખોટા કેસમાં ફસાવી દઇશુ અને પીઆઇ તને ઉંધો લટકાવીને મારશે તેવી ધમકી આપતા ફરિયાદીએ તેના ભાઇને ફોન કરી ચાર લાખ આપ્યા હતા.

આ કેસમાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર કબજે કરવાની બાકી હોઇ તેમજ ચાર લાખ ની રોકડ અને મોબાઇલ ફોન કબજે કરવાના બાકી હોઇ અને આરોપીની ઓળખ પરેડ કરવાની હોવાથી બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અકોટામાં એક લાખ લેવા આવેલા શખ્સે આરોપીના નામ જણાવ્યા

ફરિયાદી પાસેથી ચાર લાખ લીધા બાદ આરોપીઓએ બીજા દિવસે પણ પૈસાની માગણી કરી હતી અને એક લાખ અકોટામાં આવેલા પાનના ગલ્લા પર આપી જવા જણાવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ગલ્લો બંધ રહે છે અને જે વ્યક્તિ પૈસા લેવા માટે આવ્યો હતો તેણે ફરિયાદીના ભાઇને તમે કેમ પૈસા આપો છો ? તેમ પુછતા ફરિયાદીના ભાઇએ આ શખ્સને તમામ વિગતો જણાવતા આ શખ્સે જણાવ્યું હતું કે, આફતાબ તેમજ અન્ય શખ્સ  ચિટર છે એટલે ફરિયાદીને આરોપીઓના પૂરા નામની જાણ થઇ હતી.