Gujarat

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ!

By GS TEAM
8 Nov 20252 mins read
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ!

અમદાવાદ, શનિવાર

વેબપોર્ટલના વિવાદાસ્પદ પત્રકાર દીર્ઘાયુ વ્યાસના તોડકાંડ બાદ ચર્ચામાં આવેલા વકીલ ઇલીયાઝખાન પઠાણને લઇને આગામી સમયમાં વિવાદ થવાની શક્યતા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમો મુજબ નહી વર્તીને જ્યુડીશીયરીને બદનામ કર્યાનો આક્ષેપ કેટલાંક વકીલો કર્યો છે. જે અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલેે પોલીસ પાસે તોડબાજીના કેસમાં વકીલની ચોક્કસ ભૂમિકા અંગેની વિગતો મંગાવી છે.

વેબ પોર્ટલના તોડબાજ પત્રકાર દીર્ઘાયુ વ્યાસની હાલ તેણે આચરેલા ગુનાના કામથી એક પછી એક પોલીસ સ્ટેશનના દ્વારા ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. સાથેસાથે તેના કેસની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. રૂપિયા ૧૦ લાખના તોડ કેસમાં ફરીયાદી સોનીનો દીર્ઘાયુ સાથે સંપર્ક કરાવીને ક્રાઇમબ્રાંચમાં સેટલમેન્ટ માટેની વાત કરનાર વકીલ ઇલીયાઝખાન પઠાણ ચર્ચામાં રહ્યા છે. ત્યારે કેટલાંક સિનિયર વકીલોએ  કેસમાં તેમની ભૂમિકાને લઇને અનેક સવાલો અને આક્ષેપ કર્યા છે. જેમાં તેમણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કરીને જ્યુડીશીયરીને પણ બદનામ કર્યાનો આક્ષેપ કરાયો છે.

ખાસ કરીને એક વકીલ અરજીના નિકાલ માટે કોઇ વ્યક્તિને પત્રકાર કે અન્ય પ્રભાવશાળી વ્યક્તિની મદદ લઇને સેટલમેન્ટના નાણાં લઇને વિવાદાસ્પદ મધ્યસ્થી ન કરી શકે. વકીલના આ પ્રકારની પ્રેક્ટીશ વકીલાતના વ્યવસાય પર છાંટા ઉડાડી શકે છે. જેથી એડવોકેટ એક્ટમાં વકીલની પ્રેક્ટીશને લઇને કેટલીક જોગવાઇ કરવામાં આવી છે.

જેથી આ બાબતને ગંભીરતાથી લઇને બાર કાઉન્સીલના હોદેદારોને કેટલાંક સિનિયર વકીલોએ મૌખિક રજૂઆત કરી હતી. જે અનુસંધાનમાં બાર કાઉન્સીલે પોલીસ પાસે સમગ્ર કેસમા ંઇલીયાઝખાન પઠાણની ભૂમિકા અંગે તમામ વિગતો માંગી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેના આધારે બાર એસોશીએશન કોઇ મહત્વના પગલા પણ લઇ શકે તેમ છે.