એડવોકેટ માતાએ 30 વર્ષના એડવોકેટ પુત્રનું મૃત્યુ થતાં દેહદાન કર્યું
વડોદરા ન્યાય મંદિર સંકુલમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા પ્રજ્ઞાબેન શેઠના 30 વર્ષના યુવાન પુત્રનું હાર્ટ એટેકના કારણે ગઈકાલે મૃત્યુ થતા તેમણે યુવાન પુત્રનું દેહદાન કર્યું હતું. આજે બપોરે મૃતદેહને હોસ્પિટલમાં સોંપવામાં આવતા મોટી સંખ્યામાં વકીલો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કૃણાલ અશ્વિનભાઈ શેઠ (ઉ. વ.૩૦) એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ગઈકાલે સાંજે તેઓ છ વાગે ઘરે ગયા ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આ સમયે તેમના ભાઈ કે જેઓ એમબીબીએસ ડોક્ટર છે તે પણ ઘરે હાજર હતા. કૃણાલભાઈને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવતા તેમને તુરંત નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુવાન પુત્રનું મૃત્યુ થતાં પરિવારજનોમાં ભારેગમગીની ફેલાઈ હતી. કુણાલભાઈના માતા પ્રજ્ઞાબેન કે જેઓ પણ એડવોકેટ છે તેમણે યુવાન પુત્રનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે બપોરે હોસ્પિટલમાં તેમનો મૃતદેહ સુપ્રત કરવામાં આવ્યો હતો. યુવાન એડવોકેટનું દેહદાન કરવામાં આવતા ત્રણથી ચાર દર્દીઓનું જીવન બચશે તેમ જાણવા મળ્યું છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કૃણાલભાઈના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા.