જામનગરમાં એડવોકેટ પર ભાજપ અગ્રણીના કહેવાથી હુમલો, લૂંટ

ઓફિસમાં ઘૂસી માર માર્યો : ઉઠાવી જઈને 10 લાખ માગ્યા : વકીલ આરોપીઓ અને તેના મળતિયાનો કેસ લડતા હતા, પણ પૈસાની લેતીદેતી બાબતે તકરાર થઈ પડી હતી, 4 સામે ગુનો નોંધાયો
જામનગર, : જામનગરમાં એડવોકેટની ઓફિસમાં ઘૂસી જઇ તેમને ઢોર માર મારવા અંગે તેમજ તેના ખિસ્સામાંથી રૂ. દસ હજારની લૂંટ ચલાવવા અંગે ઉપરાંત લાલ બંગલા સર્કલમાં પણ ધાકધમકી આપવા અંગે જામનગર શહેર ભાજપના લઘુમતી મોરચાના એક હોદેદાર સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.
જામનગરમાં હવાઇ ચોક ભાનુશાળી રોડ વિસ્તારમાં રહેતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરૂની ઓફિસમાં મુન્નાભાઈ આંબલીયા અને ગટુભાઈ આસિફભાઈ નામના બે શખ્સો આવ્યા હતાં. તેમણે પૈસાની લેતીદેતીના મામલે એડવોકેટનું માથું દીવાલમાં પછાડી ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેમનું અપહરણ કરીને લાલ બંગલા સર્કલમાં લઇ ગયા હતા, જ્યાં હલુભાઈ આંબલીયાના કહેવાથી સમીર રફિકભાઈ નામના શખ્સે આવીને મારકૂટ કરી હતી અને ખિસ્સામાંથી રૂ. 10,000 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ઉપરાંત 10 લાખ રૂપિયાની માંગણી કરતા જીભાજોડી થઇ હતી.
પંકજ લહેરૂની આ ફરિયાદના આધારે ચારેય આરોપીઓ મુન્નાભાઇ આંબલીયા, ગટુભાઈ આસિફભાઈ, સમીર રફિકભાઈ અને હલુભાઈ આંબલીયા સામે ગુનો નોંધાયો છે. હલુભાઇ આંબલીયા શહેર ભાજપના લઘુમતી મોરચાના હોદેદાર હોઇ અને તેની સામે પણ ગુનો નોંધાતા ચકચાર જાગી છે.
આરોપીઓ અને તેના કેટલાક મળતિયાઓ સામેનો કેસ લાંબા સમયથી ફરિયાદી એડવોકેટ લડતાં હતા અને એકબીજા સાથે વર્ષોથી સંબંધ પણ હતો પરંતુ પૈસાની લેતીદેતીના મામલે આ તકરાર થઇ હોવાનું જાહેર થયું છે. પોલીસે ફરાર થઇ ગયેલા ચારેય આરોપીઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.








