પ્રોજેક્ટમાં પોતાનાં, સગા સંબંધીઓનાં 33 કરોડ ફસાતા પગલું ભર્યું આપઘાત પછી લાગતા-વળગતાઓને વોટસએપથી સ્યુસાઈડ નોટ અને ત્રણ પાનાંની ચિઠ્ઠી મળી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનાં જાણીતાં એડવોકેટ, બિલ્ડર, કલબ યુવીનાં ચેરમેન ઉપરાંત અનેક સામાજીક, ધાર્મિક, સંસ્થાઓ સાથે સંકલાયેલા પાટીદાર આગેવાન મહેન્દ્ર કેશવલાલ ફળદુ (ઉ.વ. 55) એ આજે સવારે પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લેતાં તેમનાં પરિવારનાં સભ્યો, કુટુંબીજનો, વકીલો, રાજકીય આગેવાનો, પાટીદાર સમાજનાં લોકો હચમચી ગયા હતાં.
આ પગલું ભરતા પહેલા મહેન્દ્રભાઈએ એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરી રહ્યો છું. આ માટે ટસ્કની અને ઓઝોન ગ્રુપ જવાબદાર છે. મારી 33 કરોડની મિલ્કતનાં દસ્તાવેજો કરી આપતાં નથી. મારા ગ્રુપના 70 કરોડનાં દસ્તાવેજો છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર છે. મને ખૂબ જ હેરાન કરેલ છે. મારી ઉપર ફરિયાદો કરે છે. ધમકીઓ આપે છે. મને દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારા અને પરિવારનો વિશ્વાસ હવે પ્રેસ પર છે. અમોને ન્યાય અપાવજો મારા પરિવારનું તમો ધ્યાન રાખજો.
પ્રાપ્ત માહિતી મુજબ, 150 ફુટ રીંગ રોડ પરની આલીશાન બિલ્ડીંગ સામે અંજની ટાવરનાં પાંચમા માળે રહેતાં મહેન્દ્રભાઈએ ગઈકાલે જ પોતાનાં સ્ટાફને ઓફિસે મોડા આવવાની સુચના આપી હતી. આજે સવારે તે ઘરેથી નિકળી રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે નક્ષત્ર બિલ્ડીંગનાં બીજા માળે આવેલી કલ્પતરૂ પ્રોપર્ટીઝ નામની પોતાની ઓફિસમાં પહોંચ્યા હતાં.
જયાં પોતાની ચેમ્બરમાં ટેબલ પર ચડી પંખા સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ તેનાં સ્ટાફનાં માણસો ઓફિસે આવ્યા હતાં અને મહેન્દ્રભાઈને લટકતા જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતાં.
તત્કાળ ૧૦૮ને જાણ કરી હતી. જેનાં સ્ટાફે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતાં. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. જાણ થતાં ગાંધીગ્રામ-૨ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ચેમ્બરમાંથી ઝેરની બોટલ મળી આવતાં તે પીધા બાદ ગળાફાંસો ખાઈ લીધાનું પોલીસે અનુમાન કાઢયું છે. જો કે મોત ખરેખર કયા કારણથી થયું તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે. સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડયો હતો.
બીજી તરફ આ દુઃખદ સમાચાર વાયુ વેગે ફેલાઈ જતાં મિત્રો, પાટીદાર સમાજના આગેવાનો, ભાજપ, કોંગ્રેસનાં આગેવાનો, સગા-વ્હાલાઓ વગેરે મોટી સંખ્યામાં સિવિલનાં પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી ગયા હતાં.
પોલીસે જણાવ્યું કે, ઓફિસમાંથી મહેન્દ્રભાઈએ પોતાના મોબાઈલનું નેટ ચાલુ કરવા વિનંતી કરતી એક નોટ લખી છે જે કબજે લેવાઈ છે. હાલ પોલીસે ઓફિસ સીલ કરી દીધી છે. સાયન્ટીફીક ઓફિસરને સાથે રાખી પોલીસ આ ઓફિસ ખોલશે. ગાંધીગ્રામ-૨ પોલીસ જે સ્યુસાઈડ નોટ મળી છે તે બાબતે પરિવારજનોની પુછપરછ કર્યા બાદ આગળની કાર્યવાહી કરશે.
ઝેરી દવા પીધા બાદ ગળાફાંસો ખાધાનું ખુલ્યું : સવારે 10 વાગ્યે આપઘાત અને 11 વાગ્યે સ્યુસાઈડ નોટ મળી ઓફિસમાંથી મહેન્દ્રભાઈનો મોબાઈલ ફોન, રસ્સી અને ઝેરી દવાની શીશી કબજે
રાજકોટ, : એડવોકેટ મહેન્દ્ર ફળદુની ઓફિસ સવારે ગાંધીગ્રામ-2 પોલીસે સીલ કરી દીધા બાદ સાંજે સાયન્ટીફીક ઓફિસરની હાજરીમાં ઓફિસ ખોલી મહેન્દ્રભાઈનો મોબાઈલ ફોન, જેનાથી ગળાફાંસો ખાધો તે રસ્સી ઉપરાંત ઝેરી દવાની શીશી કબજે કરી હતી.
તપાસ બાદ પોલીસે જણાવ્યું કે મહેન્દ્રભાઈએ પહેલાં ઝેરી દવા પીધા બાદ ગળાફાંસો ખાઈ લીધો છે. સવારે દસેક વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે તેના મોબાઈલમાંથી લાગતા વળગતા અને મિત્રોને સ્યુસાઈડ નોટ સવારે 11થી 11-20 વચ્ચે મળી હતી. જે બાબતે રહસ્ય સર્જાયું હતું.
પરંતુ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહેન્દ્રભાઈએ લાગતા વળગતાઓને સ્યુસાઈડ નોટ મોકલી ત્યારે પોતાના મોબાઈલનું નેટ બંધ રાખ્યું હતું. સાથોસાથ એક ચીઠ્ઠીમાં નેટ ચાલુ કરવા વિનંતી કરેલી હતી. જેથી તેનો પુત્ર પ્રિયંક ઓફિસે આવ્યો ત્યારે તેણે નેટ ચાલુ કરતાં જ લાગતા વળગતાઓને સ્યુસાઈડ નોટ સેન્ડ થઈ ગઈ હતી. જો કે બાદમાં પ્રિયંકે નેટ બંધ કરી દીધું હતું.


