વાવાઝોડાએ વિનાશ વેર્યો: ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટના ટેન્ટ હવામાં ઊડ્યા, 3 દિવસમાં તહસ નહસ
Adventure Fest Dharoi : સાબરકાંઠામાં સોમવારે રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાથી નુકસાનીનો તાગ તંત્ર મેળવી રહ્યું છે, ત્યારે જિલ્લાની સરહદે ધરોઈ એડવેન્ચર ફેસ્ટને પણ વાવાઝોડાએ તહસ નહસ કરી નાખ્યું છે. 50 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડું ફૂંકાતાં ફેસ્ટમાં રોકાયેલા પ્રવાસીઓએ બચવા માટે નાસભાગ મચાવી હતી. જ્યારે એર બલૂનની ટીમ પણ વાવાઝોડાનું રૌદ્ર સ્વરુપ જોઈ સ્થળ ઉપરથી જીવ બચાવવા ભાગી છૂટી હતી. એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂકાયાના 3 દિવસમાં દોડધામ મચી ગઈ હતી.
ધરોઈ ડેમ ખાતે પ્રથમવાર એડવેન્ચર ફેસ્ટ-2-25 શરુ કરવામાં આવ્યો છે. 45 દિવસ સુધી તેનું આયોજન કરવામાં આવ્યું હોવાથી રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે તેને 23મેના રોજ ખુલ્લો મૂકવામાં આવતાં અસંખ્ય પ્રવાસીઓ ધરોઈ ડેમ ખાતે જમીન, પાણી અને હવાઈ આધારિત એડવેન્ચર પ્રવૃત્તિઓ નિહાળવા માટે ઉમટયા હતા. પરંતુ રવિવારે મોડી સાંજે વાવાઝોડું ફૂંકાતાં ધરોઈના એડવેન્ચર ફેસ્ટને પણ ભારે નુક્સાન પહોંચ્યું છે.
પ્રવાસીઓ એડવેન્ચર ફેસ્ટની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ નારો નિહાળી રહ્યા હતા. તે સમયે અચાનક વાવાઝોડાએ સમગ્ર વિસ્તારને ધમરોળી નાખતાં ટેન્ટ સિટીમાં રોકાયેલા પ્રવાસીઓએ પણ જીવ બચાવવા માટે ભાગમભાગ કરી મૂકી હતી. ગણતરીની મિમિટોમાં વાવાઝોડાના કારણે એડવેન્ચર ફેસ્ટ સાવ સૂમસામ બની ગયો હતો.
એડવેન્ચર ફેસ્ટમાં આવેલી હોટ એરબલૂનની ટીમને પણ સ્થળ છોડી સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. વાવાઝોડાની તિવ્ર ઝડપના કારણે ફેસ્ટ ખાતે ઉભા કરવામાં આવેલા મંડપ તહસ નહસ થઈ ગયા.