For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તબીબી શિક્ષણના ફેવરિટ ચીનમાં હવે એડમિશન અપાવવાનું જ બંધ

- કન્સલ્ટન્ટોએ હાથ ઊંચા કરી દીધા, વિદ્યાર્થીઓ જોખમ લેવા માગતા નથી

- જાન્યુઆરી - 2020થી ચીનથી ભારત આવી ગયેલા 20 થી 22,000 મેડિકલ સ્ટુડન્ટ્સ અહીં જ ઓનલાઇન ટીચિંગ મેળવે છે

Updated: Nov 19th, 2021

Article Content Image

ચીન માટેનો સ્ટુડન્ટ ટ્રાફિક હવે જ્યોર્જિયા, યુક્રેઇન ભણીઃ લો - બજેટ માટે આર્મેનિયા - કઝાકિસ્તાનની ઇન્કવાયરીઃ ફિલિપિન્સમાં ચેતવા જેવું  

રાજકોટ, : કોરોના મહામારી જ્યાંથી વિશ્વભરમાં પ્રસરી એ ચીનને હવે હાથના કર્યા હૈયે વાગતાં હોય તેમ એક વખતે મેડિકલ એજ્યુકેશન માટે ગુજરાતી વિદ્યાર્થીઓમાં ફેવરિટ એવા એ દેશમાં આ વખતે નવા એડમિશન નહિંવત થઇ રહ્યા છે. ચીનની કોલેજો - યુનિવર્સિટીમાં પ્રવેશ લઇને ફસાઇ જવાના ડરે વિદ્યાર્થીઓ - વાલીઓ હવે જોખમ લેવાનું ટાળે છે, જ્યારે કેટલાંય કન્સલ્ટન્ટો તો ચીન માટે મધ્યસ્થી બનવાની ધસીને ના પાડવા માંડયા છે.  ધોરણ ૧૨ સાયન્સના બોર્ડના પરિણામ બાદ તાજેતરમાં 'નીટ'નું રિઝલ્ટ પણ જાહેર થઇ ગયું એ દરમિયાન સ્થાનિકે મેડિકલમાં એડમિશન મેળવવું જેમને મુશ્કેલ જણાયું એવા હજારો વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ દેશના અન્ય રાજ્યોથી માંડીને વિદેશોની મેડિકલ ઇન્સ્ટિટયૂટ્સ તરફ નજર દોડાવી હતી. 

દર વર્ષે માત્ર રાજકોટથી જ ૪૦૦ થી ૫૦૦ અને ગુજરાતના ૮૦૦૦ થી ૯૦૦૦ વિદ્યાર્થીઓનો સ્ટડી એબ્રોડ માટે ટ્રાફિક રહેતો હોય છે. વર્ષ ૨૦૧૯ સુધી ૨૦ થી ૪૦ લાખ રૂપિયાના પેકેજોવાળી ચાઇનીઝ કોલેજો - યુનિવર્સિટીમાં મહત્તમ ધસારો રહેતો, પણ આ વર્ષે ત્યાં એડમિશન લેવાનું પ્રમાણ ઘટતાં ફિલિપિન્સ, જ્યોર્જિયા, યુક્રેઇન તરફ નજર દોડાવાઇ રહી છે. આ પૈકી ફિલિપિન્સની કેટલીક કોલેજો ૧૪ - ૧૫ લાખ ફી કહેતી હોય છે પરંતુ વિવિધ   ફંકશનોનાં નામે ૫૦૦ - ૬૦૦ ડોલર વધુ લઇ લેવા, કે પછી એકઝામમાં જાણી જોઇને ફેઇલ કર્યા બાદ પાસ કરી દેવાનાં બહાને ૫૦૦ ડોલર પડાવવા જેવી ફરિયાદો કોઇ - કોઇ કોલેજ વિશે ઉઠતી રહે છે એમ એક કન્સલ્ટન્ટે જણાવ્યું હતું. 

લો - બજેટમાં મેડિકલ ભણવા માગતા વિદ્યાર્થીઓની રશિયા - આર્મેનિયા, કઝાકિસ્તાન માટે પણ ઇન્કવાયરી રહે છે. પાંચ વર્ષમાં જ ડિગ્રી આપતા કઝાકિસ્તાનમાં પણ મેડિકલ એજ્યુકેશન ૧૭ થી ૨૦ લાખમાં પડે છે. બીજી તરફ, ભારતભરમાંથી દર વર્ષે ૮ થી ૯ હજાર મેડિકલ સ્ટુડન્ટ્સ માત્ર ચીનમાં જ જતા એ સંખ્યા આ વર્ષે ખાસ્સી ઘટવાનું અનુમાન છે. ચીન, ફિલિપિન્સ સિવાયના દેશોમાં પ્રવેશ લઇ ચૂકેલા છાત્રોની વિઝા પ્રોસેસ  પૂરી થયે નવેમ્બરના અંત ભાગથી તેઓ જે - તે દેશમાં ભણવા જવા રવાના થવા લાગશે. 

ચીનમાં ભણતા હજારો ભારતીય છાત્રો ઓનલાઇન ટીચિંગના ભરોસે : છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ ભારતમાં; અન્ય અનેક વિદ્યાર્થીઓ પણ બે વર્ષ પ્રાયોગિક શિક્ષણથી વંચિત રહ્યા

 તાજેતરમાં ચીન વિઝા પોલિસીમાં બિઝનેસમેન, નોકરિયાતો, ફેમિલી ગેધરિંગ જેવા કિસ્સાઓમાં વિદેશીઓને પ્રવેશની છૂટ આપી પણ વિદ્યાર્થીઓ માટે ચીનમાં હજુ નો - એન્ટ્રી જ છે, જેથી ગુજરાતના પણ ૮ થી ૧૦ હજાર મેડિકલ સ્ટુડન્ટને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. તેમને મેડિકલમાં સૌથી મહત્વનું એવું પ્રેક્ટિકલ એજ્યુકેશન બે વર્ષથી મળ્યું જ નથી. ૧૦ સેમેસ્ટર પૂરા કરી ચૂકેલા સ્ટુડન્ટ સ્થાનિક સરકારી કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા માંડયા છે જ્યારે હાલ પાંચમાં વર્ષમાં છે તેમને ફેબુ્રઆરીમાં ચીન પરત જવા મળે તો ત્યાં પ્રેક્ટિકલ એજ્યુકેશન લેશે. 

ચીન ફેબ્રુઆરીના વિન્ટર ઓલિમ્પિક માટે અનેક દેશોના ખેલાડીઓ અને ઓફિશિયલ્સને પ્રવેશની છૂટ આપશે જ્યારે વિદ્યાર્થીઓને તે પછી જવા મળશે. ત્યાંની કોલેજોએ કોરોના કાળમાં હોસ્ટેલ ફી તો વેવ કરી એવામાં હવે આંતરરાષ્ટ્રીય બજારમાં યુઆનનું મૂલ્ય બદલાતાં સરવાળે ફાયદો રહ્યો નથી અને ભારતમાં બેઠા બેઠા વર્ષે રૂા. ૨.૮૫ લાખથી રૂા. ૪ લાખ ફી તો ભરવી જ પડે છે!

Gujarat