સુરતમાં RTE હેઠળ ફાળવાયેલી 13295 પૈકી 12688 બેઠક પર પ્રવેશ
- 100 જેટલા માલેતુજાર વાલીઓના સંતાનોના પ્રવેશ રદ કરી પોલીસ ફરિયાદની સૂચના બાદ આવકમર્યાદા બહારના વાલીઓએ ફોર્મ ભરવાનું ટાળ્યું
સુરત
રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ ધોરણ ૧ માં વિનામૂલ્યે પ્રવેશ માટે ૧૩૨૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ ૯૫ ટકા વિદ્યાર્થીઓને પોતાની મનગમતી સ્કુલોમાં પ્રવેશ મળી જતા ૧૨૬૮૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જયારે પાંચ ટકા જેટલા જ વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકયો છે. આમ આ વખતે જેન્યુઇન વાલીઓએ જ પ્રવેશ માટે ફોર્મ ભર્યાની વાતોને સર્મથન મળી રહ્યુ છે.
આરટીઇ હેઠળ ધોરણ ૧ માં પ્રવેશ માટે સુરત શહેરની ૯૯૪ સ્કુલોમાં ૧૫૨૨૯ બેઠકો માટે કુલ ૩૧૪૭૦ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૨૪૩૪૬ ફોર્મ મંજુર થયા હતા. અને જયારે આરટીઇનો પ્રથમ રાઉન્ડ શરૃ થયો ત્યારે કુલ ૧૩૨૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હતો. આ પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં ૧૨૬૮૮ વિદ્યાર્થીઓને મનગમતી સ્કુલોમાં પ્રવેશ મળી જતા પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હતો. જયારે ૫૩૭ વિદ્યાર્થીઓએ હાલ પ્રવેશ જતો કર્યો છે. અથવા તો ડોકયુમેન્ટોમાં ભુલો હોવાથી પ્રવેશ અટકાવ્યો છે. આમ કુલ ૧૩૨૯૫ માંથી ૧૨૬૮૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફમ કરાવતા ૯૫ ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
આ વિદ્યાર્થીઓને પોતાની મનગમતી સ્કુલોમાં પ્રવેશ મળ્યો છે. સાથે જ શિક્ષણવિદોમાં એવો પણ ગણગણાટ થઇ રહ્યો છે કે આરટીઇના પ્રવેશ પહેલા જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ આવક ધરાવતા ૧૦૦ જેટલા માલેતુજાર વાલીઓના સંતાનનો પ્રવેશ રદ કરાવીને ફોજદારી ગુનો દાખલ કરવા માટે આચાર્યોને આદેશ કર્યો હતો. તેની પણ અસર જોવા મળી છે કે ખોટી એફીડેવીટ રજુ થશે તો કાર્યવાહી થશે. તેમજ સરકારે છ લાખની મર્યાદા કરી હોવાછતા પણ વાલીઓને ઘર નજીકની મનગમતી સ્કુલમાં પ્રવેશ મળવાનો જ નથી એમ માનીને પણ પ્રવેશ ફોર્મ ના ભર્યુ હતુ. આમ એંકદરે આ વખતે જેન્યુએન વાલીઓના સંતાનોને આરટીઇમાં પ્રવેશ મળ્યો છે.
આરટીઇના પ્રવેશનું સરવૈયુ
કુલ સ્કુલો 994
કુલ
બેઠક 15229
ફાળવેલ
પ્રવેશ 13295
વિદ્યાર્થીઓનો પ્રવેશ 12688
કેટલાનો પ્રવેશ અટકયો 537