સાયન્સ ફેકલ્ટીમાં સૌથી વધુ ડિમાન્ડ કેમેસ્ટ્રીની, 80 ટકાએ પ્રવેશ અટકયો
વડોદરાઃ જીકાસ પોર્ટલ હેઠળ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછીના વિવિધ ડિગ્રી કોર્સમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે.આજે પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે.
એમ.એસ.યુનિવર્સિટીઓની મોટી ફેકલ્ટીઓની વાત કરવામાં આવે તો કોમર્સની જેમ સાયન્સ ફેકલ્ટીમાં પણ ગ્રાન્ટ ઈન એઈડની ૧૧૫૦ જેટલી બેઠકો માટે પહેલા રાઉન્ડમાં પ્રવેશની ટકાવારી ઉંચી રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએસસીમાં કેમેસ્ટ્રીની બેઠકોની ભારે ડિમાન્ડ રહી છે.જેના કારણે સાયન્સ ફેકલ્ટીની ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પર પહેલા રાઉન્ડમાં જનરલ કેટેગરીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકાએ વડોદરા બહારના ( ગુજરાત અને આખા દેશના) વિદ્યાર્થીઓ માટે ૮૮.૪૪ ટકાએ પ્રવેશ અટકયો છે.
બીજા ક્રમે એન્વાર્ટમેન્ટ સાયન્સ વિષય રહ્યો છે.જેમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં ૭૩ ટકા અન્ વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે ૮૪.૨૨ ટકાએ પ્રવેશ અટકયો છે.
ફેકલ્ટીના સૂત્રોનું કહેવું છે કે, પ્રવેશ માટેની ટકાવારી આગળ જતા ઘટશે.કારણકે મેડિકલની વિવિધ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે પ્રવેશ માટે અરજી કરતા હોય છે.નીટ પરીક્ષાના પરિણામ બાદ મેડિકલ માટે ક્વોલિફાય થતા વિદ્યાર્થીઓની બેઠકો ખાલી પડતી હોય છે અને તેના કારણે છેવટે મેરિટ નીચું આવતું હોય છે.ઉપરાંત પહેલા રાઉન્ડમાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓની પણ બેઠકો પણ ખાલી પડશે.જેના પર બીજા રાઉન્ડમાં પ્રવેશ અપાશે.
જનરલ કેટેગરીમાં સાયન્સમાં કયા વિભાગમાં કેટલા ટકાએ પ્રવેશ અટકયો
વિભાગ વડોદરા વડોદરા બહારના
કેમેસ્ટ્રી ૮૦ ૮૮.૪૪
મેથ્સ ૫૮.૭૫ ૮૦
ફિઝિક્સ ૬૦ ૮૩.૨૫
એન્વાર્યમેન્ટ ૭૩ ૮૪.૨૨
બોટની ૭૦.૮૯ ૮૩.૬૭
ઝૂલોજી ૭૨ ૮૪.૨૨
સ્ટેટેસ્ટિક ૪૧ ૭૦
જિઆલોજી ૫૬.૬૭ ૭૩.૩૩
જ્યોગ્રોફી ૬૩.૩૩ ૬૯.૩૩
કોમર્સની જેમ અન્ય ફેકલ્ટીઓની પ્રવેશ યાદી વેબસાઈટ પર મૂકાઈ
પહેલા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરુ થઈ ત્યારે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર માત્ર કોમર્સ ફેકલ્ટીની જ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી.બાકીની ફેકલ્ટીઓની પ્રવેશ યાદી જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.કારણકે પ્રવેશ યાદી મૂકવામાં ના આવે તો કઈ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડમાં કઈ કેટેગરીમાં કેટલા ટકા માર્કસે પ્રવેશ અટકયો છે તે જાણવું વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું.ઉપરાંત યાદી નહીં મૂકવા પાછળ કોઈ નક્કર કારણ પણ અપાયું નહોતું.આ મુદ્દે થયેલા ઉહાપોહ બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે તમામ ફેકલ્ટીઓને પ્રવેશ યાદી મૂકવા માટે આદેશ આપ્યો હતો.જેના પગલે હવે તમામ ફેકલ્ટીઓમાં જીકાસ પોર્ટલ હેઠળની પ્રવેશ કાર્યવાહીના ભાગરુપે પહેલા રાઉન્ડની પ્રવેશ યાદી ઉપલોડ કરવામાં આવી છે.
આર્ટસ ફેકલ્ટીએ પ્રવેશ યાદી મૂકવામાં વેઠ ઉતારી
કોમર્સની જેમ આર્ટસ ફેકલ્ટી પણ યુનિવર્સિટીની મોટી ફેકલ્ટીઓ પૈકીની એક ગણાય છે.આર્ટસ ફેકલ્ટીએ વેબસાઈટ પર પ્રવેશ યાદી મૂકવામાં વેઠ ઉતારી છે.આર્ટસ ફેકલ્ટીએ જનરલ અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની યાદી અલગ અલગ મૂકવાની જગ્યાએ એક જ લિસ્ટ બહાર પાડયું છે અને તેના કારણે અલગ અલગ કેટેગરીમાં કેટલા ટકાએ પ્રવેશ અટકયો છે તે જાણવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
પીજી કોર્સની પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ
સાયન્સ ફેકલ્ટીના તમામ પોસ્ટ ગ્રેજ્યુેએટ પ્રોગ્રામની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવીને ૭ જૂન કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ થકી અરજી કરવાની રહેશે પરંતુ કોઈ વિદ્યાર્થીને તેમાં મુશ્કેલી પડે તો સાયન્સ ફેકલ્ટી ખાતે કાર્યરત હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમ ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે કહ્યું હતું.