સિંધુ ભવન (નેક્સસ ક્લબ)ના કેસમાં એસઆરસી ડાયરેક્ટર, એન્જિનિયરની ધરપકડ
ગાંધીધામ એ ડિવીઝનમાં ગત ૨૬મી જાન્યુઆરીના નોંધાયેલી ફરિયાદ સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામી (રહે. મૂળ બાગેશ્વર, ઉત્તરાખંડ)એ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરકિશન ચંદનાની, હરકિશન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, તેમના પત્ની માધુરી દરિયાણી અને આરએફઓ એમ.સી. પ્રજાપતિ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચે જણે ભેગાં મળીને, તેને વિશ્વાસમાં લઈ, ગુનાહિત કાવતરું રચી, અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે બનાવટી ભાગીદારી કરારો કરીને, બનાવટી જી ફોર્મ્સ બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સમાં વેલ્યુએબલ સિક્યોરીટી તરીકે રજૂ કરી, નેક્સસ ક્લબમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્લબનો કબજો ઝૂંટવી લીધો છે. આ ગુના સંદર્ભે પુર્વ કચ્છ પોલીસે એક મહત્વપુર્ણ પગલું ઉઠાવતા એસઆરસીના ડાયરેક્ટરોની પૂછપરછ આદરી હતી. જેમાં એસઆરસીના ડાયરેક્ટર હરીશ પેરુબલ કલ્યાણી અને સીનીયર એક્ઝુટીવ એન્જિનિયર આત્મારામ ભુલચંદાણીની સંડોવણી ખુલતા તેમના સામે પગલાં ભર્યા હતા અને બંનેની ધરપકડ કરી લીધી હતી. જે બાદ તેમને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અંજારના નાયબ પોલીસ અધિક્ષક કચેરીના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સિંધુ ભવનના ચાલતા કેસની તપાસ ડીવાયએસપી હસ્તગત હતી, જે તપાસ આગળ વધતાં આ કાર્યવાહી કરાઇ છે. નોંધપાત્ર છે કે લાંબા સમયથી આ કેસની ચર્ચા હતી અને આ કેસમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી કોઈ કાર્યવાહી નહીં થાય તેવી પણ ચર્ચા ઉઠી હતી. ત્યારે હવે એસઆરસી જેવી સંસ્થા સાથે જોડાયેલા ઈસમોને ઝડપી લેવામાં આવતા ચર્ચાઓએ ફરી જોર પકડયું છે.


