Gujarat

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦ હજારનો દંડ કરાશે

By GS TEAM
18 Sep 20251 min read
નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦ હજારનો દંડ કરાશે

અમદાવાદ,ગુરુવાર,18 સપ્ટેમબર,2025

૮ સપ્ટેમ્બરના રોજ નારોલની મટનગલી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીનુ વીજ કરંટ લાગવાથી મોત થયુ હતુ. આ વર્ષે વીજકરંટ લાગવાથી શહેરમાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ કોર્પોરેશનના લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેર મહેન્દ્ર કે નિનામાને શોકોઝ નોટિસ આપવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સુચના આપી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વીજપોલની શું પરિસ્થિતિ છે એ અંગે એડીશનલ સિટી ઈજનેર કોઈ વિગત આપી શકયા નહતા.શહેરમાં આવેલા વીજપોલનો સર્વે કરાશે. જો કોઈ વીજપોલના વાયર ખુલ્લા હશે કે કોન્ટ્રાકટરની બેદરકારી જોવા મળશે તો વીજપોલ દીઠ કોન્ટ્રાકટરને રુપિયા ૫૦ હજારનો દંડ કરાશે. આવશ્યકતા જણાશે તો કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાશે.એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે નારોલ વિસ્તારમાં એકિટીવા ઉપર પસાર થઈ રહેલ દંપતી ત્રણથી ચાર ફુટ ભરાયેલા પાણીમાં પટકાતા તેઓ જીવંત વીજળીના સંપર્કમા આવતા કરંટ લાગવાથી બંનેનુ મોત થયુ હતુ.પ્રાથમિક તપાસમાં બે વીજપોલ પડી ગયા હતા જેના જીવંત વીજ વાયર ખુલ્લા રહી ગયા હતા.કોર્પોરેશનના લાઈટ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનીયર અને સુપરવાઈઝર ઉપરાંત કોન્ટ્રાકટર નિશાંત એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાકટર તથા ફર્મના બે કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ થતા ધરપકડ કરવામા આવી હતી.આ વર્ષે મે મહીનામાં ઘીકાંટા વિસ્તારમાં આવેલી દુધવાળી પોળ પાસેથી પસાર થતા યુવકનુ વીજકરંટ લાગવાથી મોત થયુ હતુ.કોર્પોરેશનના લાઈટ વિભાગના એડીશનલ સિટી ઈજનેરને વધુ એક શોકોઝ આપવામા આવશે.