Get The App

સુરતમાં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો 1 - image


Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી મુકતા નથી અને હાલમાં ઈનચાર્જ શાસનાધિકારી તરીકે કામગીરી કરતા અધિકારીને હવે વધારાની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત લાંબા સયમથી મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરની જવાબદારી પણ સોંપવામાં આવી છે. હાલમાં સમિતિના કાર્યભાર હેઠળ દબાયેલા ઈનચાર્જ શાસનાધિકારીને આ કામગીરી સોંપાતા સમિતિની કામગીરી પર માઠી અસર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ થઈ ગઈ છે અને 1200 કરોડનું બજેટ થઈ ગયું છે. તેમ છતાં શિક્ષણ સમિતિના કાયમી શાસનાધિકારી અને કાયમી ઉપશાસનાધિકારીનો દુષ્કાળ છે. ભાજપ શાસકોમાં ચાલતા આંતરિક રાજકારણના કારણે લાંબા સમયથી કાયમી શાસનાધિકારીની જગ્યા હજી કરવામાં આવી નથી. હાલમાં શિક્ષણ સમિતિના ઈનચાર્જ શાસનાધિકારી તરીકે મેહુલ પટેલની નિમણુંક કરવામાં આવી છે. 300થી વધુ શાળા અને 5500 થી વધુ શિક્ષકો અને તેમની ઓફિસની કામગીરી સાથે શાળાની કામગીરીના ભારે હેઠળ ઈનચાર્જ શાસનાધિકારી દબાયેલા છે. 

આ કામગીરી તેઓ માંડ પાર પાડી રહ્યા છે ત્યારે બુધવારે પાલિકામાં થયેલા ઓર્ડરમાં ઈનચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલને  મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસર તરીકેની જવાબદારી મેહુલ પટેલને સોંપવામાં આવી છે. મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસર જગ્યાને લઇને છેલ્લા દોઢ વર્ષમાં બે વખત ઉથલપાથલ થઇ ચૂકી છે. પહેલા કમલ દેસાઈ અને પછી હિમાંશુ ચૌધરીની બદલી બાદ હાલમાં ભરત સાવલીયા પર્સનલ ઓફિસર તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. જોકે, તેમને સ્વૈચ્છિક રાજીનામું મૂક્યા બાદ નોટીસ પિરિયડમાં કામગીરી કરી રહ્યા હતા. જેમાં હવે વહીવટી ગૂંચ ઊભી ન થાય તે માટે સેન્ટ્રલ ઓફિસના એક્ઝીક્યુટીવ આસિસટન્ટ અને શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી એવા મેહુલ પટેલને મહેકમ વિભાગ અને મહેકમ વિભાગ(આરોગ્ય)ના પર્સનલ ઓફિસરી વધારાની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત આજે થયેલા ઓર્ડરમાં મહેકમ(રીક્રુટમેન્ટ)ના પર્સનલ ઓફિસર ધવલ મોદીને જી.યુ.એચ.પી., એસ.એમ.સી આસિસ્ટન્ટ અને રીલીફ ફંડ એટલે કે ગ્રાન્ટના હિસાબની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

Tags :