Get The App

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો 1 - image


Gujarat High Court News: કચ્છના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની 108 હેકટર ગૌચરની જમીન અદાણી સેઝ પાસેથી પાછી લઈ લેવાના રાજ્ય સરકારના વિવાદીત નિર્ણયને અને ગુજરાત હાઇકોર્ટના આ અંગેના હુકમને અદાણી જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની આખરી સુનાવણીના અંતે સુપ્રીમકોર્ટે એક અગત્યના આદેશ મારફતે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને ફાળવાયેલી જમીન પરત લેવાના સરકારના નિર્ણયને અને આ અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે અદાણી જૂથને બહુ મોટી રાહત મળી છે. 

અદાણી પોટ્‌ર્સ એન્ડ સેઝ લિ.ને મોટી રાહત 

અગાઉ 10 જૂલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની ખંડપીઠે ગૌચરની જમીન પાછી લેવા અંગેના હુકમ સામે મનાઈહુકમ ફરમાવી દીધો હતો. આ દરમિયાન કેસમાં તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં અદાણી સેઝ પાસેથી જમીન પાછી લઈ લેવા અંગેના ગુજરાત સરકારના 4-7-2024ના નિર્ણય અને તેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટે જાહેર કરેલા 5-7-2024ના હુકમને રદબાતલ ઠરાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે ગૌચર જમીન અંગેના તમામ હક્કો અદાણી કંપની પાસે અબાધિત રહેશે, સાથે સાથે અદાણી પોટ્‌ર્સ એન્ડ સેઝ લિ.ને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!

જાણો શું છે સમગ્ર મામલો

કેસની વિગતો મુજબ, રાજય સરકાર દ્વારા ગત 15-7-2005ના રોજ કચ્છના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામે 9,34,829 હેકટર ગૌચરની જમીન અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન(સેઝ)ના વિકાસ માટે સરકાર દ્વારા નિયત કરાયેલ અવેજની ચૂકવણી થયા બાદ ફાળવવામાં આવી હતી. બાદમાં આ જમીનને કેન્દ્ર સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સેઝ જમીન તરીકે પણ સૂચિત કરવામાં આવી હતી. 

જો કે, વર્ષ 2011માં કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સેઝ માટે ફાળવવાના જાહેરનામા અને નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી મારફતે પડકારવામાં આવ્યો હતો. જેમાં અદાણી કંપનીને ફાળવાયેલી જમીન પરત લેવાની માંગણી કરાઇ હતી. 

જેમાં હાઇકોર્ટની ગંભીર ટકોર અને આલોચના બાદ રાજય સરકાર દ્વારા 4-7-2024ના નિર્ણયથી નવીનાળ ગામની અદાણીને ફાળવાયેલી ગૌચરની 108 હેકટર જમીન પરત લઇ લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયની જાણ કરતું સોગંદનામું પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટે 5-7-2024ના આદેશ મારફતે સરકારને ઉપરોકત ગૌચરની જમીન પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. 

બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટના આ હુકમના નારાજ થઇ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ. દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે,લગભગ  બે દાયકા પહેલાં કંપનીને ફાળવાયેલી જમીન પરત લેવાનો આદેશ તેઓને કોઇપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ગુજરાત સરકારે નિર્ણય લીધો છે, તેથી તે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. ગુજરાત સરકારનો નિર્ણય કુદરતી ન્યાયના સિઘ્ધાંત વિરૂદ્ધનો અને ગેરકાયદે હોઇ તેને સુપ્રીમ કોર્ટે રદ કરવો જોઇએ. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ., ગુજરાત સરકાર સહિતના તમામ પક્ષકારોની રજૂઆત અને દલીલોની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે આખરે અદાણી સેઝને ફાળવાયેલી જમીન પરત લેવા અંગેના રાજ્ય સરકારના નિર્ણયને તેમ જ ગુજરાત હાઇકોર્ટના આ અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા.