અદાણીએ CNG, PNGના ભાવમાં કર્યો વધારો, નવો વધારો આજથી જ અમલી
- CNGમાં એક મહિનામાં ત્રીજી વખત ભાવવધારો, કિલોએ રૂ. 1નો વધારો
અમદાવાદ, તા. 16 એપ્રિલ 2022, શનિવાર
એક મહિનામાં અદાણીના CNG-PNG ગેસના ભાવમાં વધુ એક વધારો થયો છે. અમદાવાદમાં CNGનો ભાવ 81.59થી વધારીને 82.59 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં આ ત્રીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી જ અમલી બનશે.
રાંધણ ગેસ-પેટ્રોલ-ડીઝલનો ધુમાડો દેશની સામાન્ય જનતાની આંખમાંથી આંસુ નીકાળી રહ્યાં છે. ઘર વપરાશમાં 1.60 mmbtu સધીના વપરાશ પર ભાવ 1369 રૂપિયાથી વધારીને 1397 રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે તેનાથી વધારેના વપરાશ ઉપર રૂ. 1397ના બદલે 1425 રૂપિયા ચુકવવાના રહેશે.
વડોદરા માટે કિંમતો પ્રતિ mmbtu રૂપિયા 911.09થી વધારીને રૂપિયા 981.12 કરવામાં આવી છે.
સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.