અદાણી ગ્રૂપે અમદાવાદ અને ગાંધીનગરમાં હજારો ચોરસ મીટર ગૌચર જમીન મેળવવા અરજી કરી
Gujarat Legislative Assembly: ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલી માહિતી મુજબ અદાણી કંપની દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે 91 હજાર ચોરસ મીટરથી વધુની સરકારી-ગોચર જમીન મેળવવા માટે અરજી કરી છે. અદાણી દ્વારા ટાઉનશિપ અને ઈકોનોમિક ઝોન માટે જમીન બદલામાં જમીન મેળવવા માટેની અરજી કરવામા આવી છે. જો કે, હાલના તબક્કે સરકારમાં તમામ અરજીઓ પડતર છે.
ગુજરાત વિધાનસભાના હાલના ચાલુ સત્રમાં પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, '31-12-2024ની સ્થિતિએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અદાણી ગ્રૂપ દ્વારા ગોચર, સરકારી પડતર અને ખરાબાની જમીન મેળવવાની માંગણી પડતર છે તે હકિકત સાચી છે કે નહીં અને કઈ કઈ માંગણી-અરજી પડતર છે તેમજ કયા હેતુ માટે છે?'
જમીનની અદલાબદલીની માંગણી પડતર
આના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 'માંગણી પડતર છે તે વાત સાચી છે અને અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈ તાલુકાના મોજે ખોડીયાર ખાતે સર્વે નંબર 292ની 33286 ચોરસ મીટર જમીનની અવેજીમાં ગોચર સદરની સર્વે નંબર 329ની 18718 ચોરસ મીટર તથા સર્વે નંબર 361ની 11129 ચોરસ મીટર મળી કુલ 29847 ચોરસ મીટર જમીનની અદલાબદલીની માંગણી પડતર છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં દંતાલી ખાતે સર્વે નં. 217, 218, 219,222 તથા 468 અને 512ની 63132 ચોરસ મીટર ગોચર જમીન સામે તેઓની માલિકીની દંતાલી ખાતેની સર્વે નંબર 174, 177,186,228,171 અને 175ની 61211 ચોરસ મીટર ગોચર નામે કરી જમીનની અદલાબદલીની માંગણી પડતર છે.'
વધુમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 'ગાંધીનગરમાં કલોલના જાસપુર ખાતે સરકારી પડતર સર્વે-બ્લોક નં. 308ની 101 ચોરસ મીટર તથા સર્વે-બ્લોક નં. 309ની 101ની ચોરસ મીટર સહિત કુલ 202 ચોરસ મીટર જમીન મેળવવાની માંગણી પડતર છે. અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ટાઉનશિપના ભાગરૂપે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વિકસાવવા અને ગાંધીનગરમાં ટાઉનશિપ હેતુ માટે 91260 ચોરસ મીટરની જમીન અદલબદલી-માંગણીની અરજીઓ કરવામાં આવી છે.'