CNG Price Cut January 2026: વર્ષ 2026ની શરૂઆત સીએનજી (CNG) વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવવધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત આપતા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ભાવમાં પ્રતિ કિલો રૂ. 1.21નો ઘટાડો
અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.
વર્ષ 2025માં સતત વધ્યા હતા ભાવ
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ 2025 દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025: રૂ. 1.50નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ 2025: 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025: 40 પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40 જેટલો ભાવ વધારો થયો હતો.
સતત વધતા જતા મોંઘવારીના દર વચ્ચે સીએનજીના ભાવમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો અને રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે. 2026ની શરૂઆતમાં જ મળેલી આ ભેટને કારણે અન્ય ખર્ચાઓમાં પણ થોડો ફાયદો થવાની આશા છે.


