અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા
Ahmedabad : અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે પોતાની એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
આ ઘટના બાદ, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી હતી. પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક-યુવતીના પરિવારજનોને મીડિયા સમક્ષ અમુક ચોક્કસ વિગતો જ જાહેર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમીયાપુર કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરની ઘટનાઓ બની ચૂકી છે. આ જ સ્થળ નજીક ફરીથી આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. આ ઘટનાએ પોલીસની પેટ્રોલીંગ અને કાયદો-વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉભા કર્યા છે.