રેરેસ્ટ ઓફ રેર કેસઃ 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં આરોપીને ફાંસીની સજા
- 7 મહિનામાં સ્પીડી ટ્રાયલ બાદ સુરત સેશન્સ કોર્ટનો ચુકાદોઃ આરોપી અનિલ યાદવને પોક્સો, એટ્રોસીટી એકટ, અપહરણ, બળાત્કાર, હત્યાના ગુનામાં દોષી ઠેરવાયો
સુરત, 31 જુલાઇ 2019, બુધવાર
આજથી
સાતેક મહીના પહેલાં સુરતના લિંબાયત ગોડાદરાની માત્ર ત્રણ વર્ષ સાત માસની બાળકીનું
અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરનાર મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની એવા
આરોપી અનિલ યાદવને ગઇકાલે દોષી ઠેરવ્યો હતો. આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ
આજે મોડીસાંજે રેકર્ડ પરના પુરાવા
ફરિયાદપક્ષની રેરેસ્ટ ઓફ રેર કેસ
ગણીને કેપીટલ પનિશમેન્ટની માંગને માન્ય રાખી આરોપી અનિલ જાદવના ગુનાઈત કૃત્યને
જઘન્ય ગણીને ફાંસીની સજા ફટકારતો હુકમ કર્યો છે.
સુરતના લિંબાયત ગોડાદરા ખાતે રહેતી માસુમ બાળકી તા.૧૪-૧૦-૨૦૧૮ના રોજ પોતાના ઘર પાસે રમતી હતી. ત્યારે પડોશમાં રહેતો મૂળ બિહારના બક્સર જિલ્લાનો વતની એવો ૨૪ વર્ષીય પરણીત યુવાન અનિલ સુરેન્દ્રસિંગ યાદવ બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી લાશ પ્લાસ્ટીકના કોથળામાં બાંધીને રૃમને તાળુ મારી ભાગી ગયો હતો. લિંબાયત પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ કરી વતન બિહારથી ઉઠાવી લાવી કોર્ટમાં રજૂ કરી જેલભેગો કર્યો હતો. આ કેસમાં ગુજરાતા કાયદા વિભાગે ખાસ સરકારી વકીલ તરીકે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણુંક કરી હતી.
કેસની માત્ર સાત જ મહીનામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને ગઈકાલે સરકારપક્ષે મુખ્યત્વે ૭૧ પૈકી ૩૧ પંચ સાક્ષીઓ તપાસીને કેસ કાર્યવાહી પુરી કરી હતી. કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી સજા-દંડનો હુકમ આજ પર મુલતવી રાખ્યો હતો. આજે સરકારપક્ષે આ કેસને રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં મુકી આરોપીને મહત્તમ સજારૃપે ફાંસીની સજાની માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપી અનિલ યાદવને પોક્સો,એટ્રોસીટી એક્ટ,માસુમ બાળકીના અપહરણ,બળાત્કાર તથા હત્યાના ગુનામાં દોષી ઠેરવી ફાંસીની સજા તથા દંડનો હુકમ કર્યો હતો.
કેપિટલ પનિશમેન્ટની માગ સાથે
સરકારપક્ષે વિશ્વ અને દેશમાં ફાંસીના કેસોના ઇતિહાસની છણાવટ કરી
સને-૧૯૫૦થી ૨૦૧૨ દરમિયાન સુપ્રીમ કોર્ટે કુલ ૪૩૮ કેસોમાં ફાંસીની સજા માન્ય રાખી છે
સરકાર
પક્ષે ખાસ સરકારી વકીલે આરોપીના વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં પડતો હોવાથી આરોપીને મહત્તમ કેપીટલ પનિશમેન્ટની માંગ કરી હતી. જેના સમર્થનમાં
સરકારપક્ષે વિશ્વ તથા દેશમાં ફાંસીના કેસોના ઈતિહાસની વિસ્તૃત્ત ચર્ચા કરી ફાંસી ક્યા
સંજોગોમાં આપી શકાય તેની રજૂઆત કરી હતી. વિશ્વના કુલ ૫૮ દેશોમાં આ પ્રકારના ગુનામાં
ફાંસીની સજા આપી શકાય છે. તેમ જ ભારતમાં ૧૯૫૦થી ૨૦૧૨ દરમિયાન સુપ્રિમ કોર્ટે કુલ ૪૩૮
કેસોમાં ફાંસીની સજા માન્ય રાખી હોવાની રજુઆત
કરી હતી.
તદુપરાંત
ભારતમાં ફાંસીની સજા ગેરબંધારણીય ન
હોવા અંગે બચ્ચનસિંઘ તથા માછીસિંઘ તથા
બસંતાના કેસ સહિત આ પ્રકારના ગંભીર ગુનાના
કેસોને લગતા ૧૪ પ્રસ્થાપિત ચુકાદાના
સિધ્ધાંત રજુ કર્યા હતા. આરોપીની ગુના પહેલા અને પછીની વર્તણુંક, ભોગ બનનાર બાળકીની
માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમર, અને ગુનાની ગંભીરતા અને
આરોપીના જઘન્ય કૃત્યને ધ્યાને લઈ બિન જરૃરી સહાનુભૂતિને બદલે પીડીતા તથા તેના
પરિવારને ન્યાય મળે તેવી દ્વષ્ટાંતરૃપ મહત્તમ સજા કરવા માંગ કરી હતી.
આરોપીને ફાંસીની સજા જાહેર થતા લિંબાયતવાસીઓએ સત્યમેવ જયતે ના નારા લગાવ્યા
સાત
જ મહીના પહેલાં લિંબાયત ગોડાદરાની ત્રણ વર્ષીય બાળકીનું બદકામના ઈરાદે અપહરણ કરી બળાત્કાર
ગુજાર્યા બાદ હત્યા કરનાર નરાધમ અનિલ યાદવને આજે મોડી સાંજે કોર્ટે ફાંસીની સજા ફરમાવી
હતી. જેના પગલે કોર્ટ રૃમની બહાર ઉપસ્થિત ભોગ બનનાર બાળકીના પરિવારના સભ્યો, મહોલ્લાવાસી મહીલાઓ,
યુવાનો તથા સામાજિક કાર્યકરોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા. લિંબાયત
વાસીઓએ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સુરત પોલીસ સહિત આ કેસમાં આરોપીને ફાંસીની
સજા સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ પોલીસ કર્મીઓને હાથ જોડીને ન્યાય મળ્યાનો આનંદ
વ્યક્ત કર્યો હતો.
રેપ વીથ મર્ડર કેસનો ઘટનાક્રમ
- તા.૧૪-૧૦-૨૦૧૮ના રોજ
રાત્રે માસુમ બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા થઈ.
- તા.૧૫-૧૦-૨૦૧૮ના રોજ
બાળકીના મીસીંગની ફરિયાદ બાદ સીસીટીવી ફુટેજના આધારે લાપત્તા આરોપી અનિલ યાદવ વિરુધ્ધ લિંબાયત
પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
- તા.૨૦-૧૦-૨૦૧૮ના રોજ
આરોપીના વતન બિહારના બક્સર જિલ્લાના ધનસોઈ ગામેથી ધરપકડ કરી બક્સર કોર્ટમાંથી
ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવાયા.
- પોલીસે તા.૨૨-૧૦-૨૦૧૮ના
રોજ પોક્સો કેસોની ખાસ અદાલતમાં અનિલ યાદવને રજુ કરી ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ
જેલભેગો કર્યો.
- આરોપી અનિલ યાદવ
વિરુધ્ધ ઈપીકો-૩૦૨, ૩૬૩, ૩૬૬, ૩૭૬(એ)(બી)૩૭૭, એટ્રોસીટી એક્ટની કલમ
૩(૨)(૫)૩(૨)૫(એ) તથો સગીર બાળકોને જાતીય શોષણના ગુના સામે રક્ષણ આપતા પોક્સો
એક્ટની કલમ હેઠળ ગુના બદલ નિયત એક જ
માસમાં ચાર્જશીટ રજુ થયું.
- સરકારપક્ષે આ કેસમાં
સ્પીડી ટ્રાયલ ચલાવવા ખાસ સરકારી વકીલ તરીકે નયન સુખડવાલાની નિમણુંક કરી.
- ચાર્જફ્રેમ બાદ ૭ જ
મહીનાના ગાળામાં સરકારપક્ષે ૭૧ પૈકી ૩૧ સાક્ષીઓની જુબાની લીધી.
- સરકારપક્ષે તબીબી
પુરાવા, સીસીટીવી કેમેરાના ફુટેજ, ઘટના
સ્થળના પંચ સાક્ષીઓ, રીકવરી તથા ડીસ્કવરી પંચ સહિત
સાયન્ટીફિક પુરાવાથી કેસ પુરો કર્યો.
પીડિતાના માતા-પિતા રડતા-રડતા કહયું, અમારી દીકરી સાથે બન્યું તેવું કોઇ દીકરી સાથે ન બને
સાત
મહીના પહેલાં લિંબાયતની ત્રણ વર્ષીય માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપી
અનિલ યાદવને ફાંસીની સજા થતાં ભોગ બનનાર બાળકીના
માતા-પિતાએ પોતાને ન્યાય મળ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે રડતા રડતાં જણાવ્યું હતું કે અમે તો અમારી માસુમ
દીકરીને કાયમ માટે ગુમાવી છે. ભગવાન કરે અમારી પુત્રી સાથે બન્યુ તેવું ભવિષ્યમાં કોઈની
દીકરી સાથે ન બને તે માટે જ અમે ન્યાય માટે મેળવવા કોર્ટમાં આવ્યા છીએ. આજે અદાલતે
આરોપીના ગુનાની ફાંસીની સજા કરતાં અમને ન્યાય મળ્યાની લાગણી અનુભવીએ છીએ. અમારી આ ન્યાયની
લડતમાં અમને સુરત પોલીસ,
જિલ્લા સરકારી વકીલ, સમાજના લોકો તથા તમામ મહોલ્લાવાસીઓએ
અમને એક યા બીજી રીતે મદદ કરી તે સૌનો દિલથી આભાર માનીએ છીએ.
આરોપી અનિલ યાદવનું જઘન્ય કૃત્ય સહાનુભૂતિપુર્ણ નથી
સુરતની આમ્રકુંજ સોસાયટીના દેસાઈ પરિવારના ડબલ મર્ડરના આરોપી બાદ ફાંસીની સજા થઇ હોય તેવો બીજો કેસ
લિંબાયતની
માસુમ બાળકી પર બળાત્કાર તથા હત્યા કરી લાશને પ્લાસ્ટીકના કોથળામાં પોતાના રૃમમાં
છુપાવી વતન બિહાર ભાગી જનાર આરોપી અનિલ યાદવ પોતે પરણીત હતો.
તેમ છતાં માત્ર ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી છે.જેથી સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી ના પ્રત્યે કુણું વલણ કે બિનજરૃરી સહાનુભૂતિ દાખવવાને બદલે મહત્તમ સજા કરવા માંગ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીના ગંભીર ગુનામાં ઓછી સજા કરવી એ ન્યાય માટે હાનિકારક છે.માત્ર આરોપીનો જ નહીં ભોગ બનનાર બાળકી કે જે અસહાય અને નિર્દોષ હતી તેનો પણ ખ્યાલ કરવો જોઈએ.માસુમ બાળકી સાથે આરોપીએ બર્બરતા પુર્ણ કૃત્ય આચર્યું હોઈ સુધારાત્મક સજા કરવી યોગ્ય નથી.
જેને કોર્ટે માન્ય રાખી આરોપીને મહત્તમ સજા તરીકે ફાંસીની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે. અત્રે નોંધનીય છે કે આ અગાઉ સુરતના ઉમરા પોલીસમાં નોંધાયેલા આમ્રકુંજ સોસાયટીના દેસાઈ પરિવારના સભ્યોના ડબલ મર્ડર કેસના આરોપીઓને પણ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફાંસીની સજા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.