Get The App

રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત 1 - image

- આંકલાવના ખડોલ(હ)થી આસોદર રોડ પર

- આણંદની કોલેજમાં પરીક્ષા આપી પરત ફરતા અકસ્માતમાં મુજકુવાના એક મિત્રનું મૃત્યુ અન્ય ગંભીર

આણંદ : આંકલાવ તાલુકાના ખડોલ (હ)થી આસોદર રોડ ઉપર રેલવે બ્રિજ પાસે ટ્રાફિકને અડચણરૂપ ઉભેલી ટ્રોલી પાછળ અથડાતા એક્ટિવા ચાલકનું મોત થયું હતું. અકસ્માતમાં અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ટ્રોક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

આંકલાવ તાલુકાના મુજકુવા ગામે રહેતો હર્ષ મહેશભાઈ પ્રજાપતિ ગતરોજ મિત્ર જીગરકુમાર જયંતીભાઈ સોલંકી સાથે એક્ટિવા ઉપર આણંદની કોલેજ ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા આપ્યા બાદ બંને મિત્રો એક્ટિવા લઈને આણંદથી સાંજના સુમારે ઘરે પરત જવા નીકળ્યા હતા. દરમિયાન એક્ટિવા લઈને ખડોલથી આસોદર તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રેલ્વે બ્રિજ નજીક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ટ્રોલી ઊભી રાખી હતી. કોઈપણ જાતના રિફ્લેકટર ન હોવાથી ચાલક હર્ષને ખ્યાલ ના આવતા એક્ટિવા ટ્રોલીના પાછળના ભાગે અથડાયું હતું. જેમાં બંને મિત્રોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તપાસ કરતા ટ્રેક્ટરમાં પંચર પડતા ટ્રોલી રોડ ઉપર પાર્ક કરી ચાલક પંચર કરાવવા માટે નજીકમાં આવેલી દુકાને ગયો હતો. અકસ્માતને પગલે એકત્ર થયેલા આસપાસના સ્થાનિકોએ જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર અર્થે આંકલાવની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હર્ષ પ્રજાપતિને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત જીગરને પ્રાથમિક સારવાર આપી વડોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.